હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ભારતની આધ્યાત્મિક રાજધાની અયોધ્યા ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના દ્વિતીય તળે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે અત્યંત પવિત્ર ‘શ્રી રામ યંત્ર’ ની સ્થાપના કરવામાં આવશે. આ પ્રસંગ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સામાજિક સમરસતાના પ્રતીક સમાન છે.
રાષ્ટ્રપતિનો કાર્યક્રમ અને વિધિ
રાષ્ટ્રપતિ સવારે આશરે 11 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી સીધા આદિ શંકરાચાર્ય ગેટ દ્વારા મંદિર સંકુલમાં પ્રવેશ કરશે. અયોધ્યામાં તેમના આશરે ચાર કલાકના રોકાણ દરમિયાન તેઓ સૌથી પહેલા રામ લલ્લાના દર્શન કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ, લિફ્ટ દ્વારા બીજા માળે પહોંચીને ત્રણ મુખ્ય આચાર્યો અને સંતોની હાજરીમાં વિધિવત રીતે શ્રી રામ યંત્રની પૂજા અને સ્થાપના કરશે.
આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રામ મંદિર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહેશે. યંત્રની સ્થાપના બાદ રાષ્ટ્રપતિ પ્રથમ માળે બિરાજમાન રામ દરબારની આરતી કરશે.
સામાજિક એકતા અને સમાનતાનો મજબૂત સંદેશ
આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું ‘સપ્તમંડપ’ની મુલાકાત છે. રાષ્ટ્રપતિ અહીં મહર્ષિ વાલ્મીકિ, માતા શબરી અને નિષાદરાજના મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. વંચિત અને પછાત સમાજ સાથે જોડાયેલા આ પાત્રોના મંદિરોની મુલાકાત લઈને રાષ્ટ્રપતિ સમગ્ર દેશને સામાજિક એકતા અને સમાનતાનો મજબૂત સંદેશ આપશે.
ભવ્ય સભામાં 7 હજાર મહેમાન રહેશે ઉપસ્થિત
મંદિર સંકુલમાં આયોજિત ભવ્ય સભામાં આશરે સાત હજાર મહેમાનો ઉપસ્થિત રહેશે, જેમાં 300 થી વધુ સંતો, રામ મંદિર ચળવળના કારસેવકો અને મંદિર નિર્માણ સાથે જોડાયેલા એજન્સીઓના પ્રતિનિધિઓ સામેલ છે. કાર્યક્રમમાં કેરળના જાણીતા આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી અને દત્તાત્રેય હોસાબલે પણ પોતાના વિચારો વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ પોતે પણ સભાને સંબોધિત કરશે, જેનું જીવંત પ્રસારણ સમગ્ર વિશ્વના ભક્તો માટે કરવામાં આવશે.
શ્રમિકો સાથે રાષ્ટ્રપતિ કરશે સંવાદ
રાષ્ટ્રપતિ મુર્મુ મંદિર નિર્માણમાં રાત-દિવસ એક કરનારા 1800 જેટલા શ્રમિકો સાથે પણ સંવાદ કરી શકે છે. આ ભાવનાત્મક મુલાકાત એ બાબતનો પુરાવો છે કે રામ મંદિર માત્ર પથ્થરોનું નિર્માણ નથી, પરંતુ કરોડો ભારતીયોની આસ્થા અને પરસેવાનું પરિણામ છે. બપોરે 3.15 વાગ્યે તેઓ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
