By Dharmesh Prajapati
આજથી બરાબર એક અઠવાડિયા પછી એટલે કે આવતા ગુરૂવારે અમદાવાદમાં દેશની બીજી સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જેમાં દર વખતની જેમ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આવામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે પોલીસે ખાસ તૈયારીઓ કરી છે. દિવ્ય ભાસ્કરે સેક્ટર-1ના JCP નિરજ બડગુજર સાથે ખાસ વાતચીત કરીને આ વખતે પોલીસ કેવી રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાની છે તેની માહિતી મેળવી હતી. ઘણીવાર ધાર્મિક મેળાવડાં કે ધર્મ સ્થળોએ વધુ પડતી ભીડ એકઠી થવાથી ધક્કામુક્કી અને નાસભાગ થાય છે. જેમાં શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવો પડે છે પણ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં આવું કંઇ ન થાય તે માટે પોલીસ સજ્જ બની છે. પહેલાં લાઇન સીધી હશે પછી ઝીગઝેગ થઇ જશે રથયાત્રાના દિવસે સવારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓની ભીડને સ્ટ્રીમલાઇન કરવા માટે બેરિકેડથી લાઇન કરાશે. જેમાં મહિલાઓ અને પુરૂષો માટે 4 અલગ અલગ લાઇન હશે. પહેલાં આ લાઇન સીધી હશે પણ મંદિર નજીક પહોંચતાં જ તે ઝીગઝેગ ટાઇપમાં ફેરવાઇ જશે. જેથી શ્રદ્ધાળુઓ ધીમે ધીમે મંદિર સુધી પહોંચી શકે અને ભગવાનના દર્શન કરી શકે. બહાર જવા માટે પણ અલગ રસ્તો હશે. આ આખી વ્યવસ્થાને નીચે આપેલા ગ્રાફિક્સથી સમજો. આ રીતે ક્રાઉડ મેનેજમેન્ટ થશે શ્રદ્ધાળુઓની લાઇન ચાલુ થાય ત્યારથી એન્ટ્રી સુધીમાં વચ્ચે વચ્ચે 5 સ્ટોપર મુકાશે. JCP નિરજ બડગુજરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 2024-25માં એક ટ્રાયલ રન કર્યો હતા. જેમાં ઝીગઝેગ બેરીકેડિંગથી વ્યવસ્થા કરાઇ હતી. ક્રાઉડમાં પાછળથી કોઇ ધક્કો આવે તો આગળ સુધી તેની અસર ના થાય અને તેના કારણે અવ્યવસ્થા ના સર્જાય એટલા માટે આ વખતે પણ ઝીગઝેગ બેરીકેડિંગ અને સ્ટોપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બેરીકેડિંગ 350થી 400 મીટર સુધી હોય છે. દરેક 80 મીટર સુધી સ્ટોપેજ હોય છે. જેમાં એક વખતમાં 100થી 150 શ્રદ્ધાળુ આવી શકે છે. જેથી ક્રાઉડ મેનેજ સારી રીતે થઇ શકે. રથયાત્રાના રૂટ પર પોલીસે કેટલાક પ્રેશર પોઇન્ટ નક્કી કર્યા છે. JCP બડગુજરે જણાવ્યું કે, છેલ્લા 2 મહિનાથી પોલીસ રથયાત્રાની તૈયારી અને બંદોબસ્તની કામગીરી કરી રહી છે. જૂના અનુભવોને ધ્યાને રાખીને પ્રેશર પોઇન્ટ પર ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે પોલીસ નવા પ્રકારના પ્રયોગો કર્યા છે. જેથી ત્યાં ક્રાઉડ મેનેજમેન્ટ સારી રીતે થઇ શકે. પરિસરમાં માનવ સાંકળ બનાવાશે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પહિન્દ વિધિ માટે આવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે કરાયેલી વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, છેલ્લાં 2-3 વર્ષથી બેરીકેડિંગ, માનવ સાંકળ અને રસ્સાંનો અસરકારક રીતે ઉપયોગ કરીએ છીએ. મંદિર પરિસરમાં પોલીસ, RAF, SAF માનવ સાંકળ બનાવીને મંદિરના પ્રાંગણમાં જગ્યા ખુલ્લી કરાવે છે. જેથી રથને નીકળવા માટે અને VVIPને અવરજવર કરવામાં કોઇ તકલીફ ના થાય. પાર્કિંગની અલગ અલગ વ્યવસ્થા બંદોબસ્ત માટે આવતી પોલીસ માટે, VVIP અને તેમના કોન્વોયના પાર્કિંગ માટે જુદી વ્યવસ્થા કરાઇ છે. જ્યારે દર્શનાર્થીઓના વાહનો પાર્ક કરવા માટે જમાલપુર બ્રિજની બાજુમાં ફૂલ બજાર પાસે જગ્યા ફાળવાઇ છે. ભગવાનના મોસાળ સરસપુરમાં કરાયેલી વ્યવસ્થાની વાત કરતાં JCP બડગુજરે કહ્યું કે, સરસપુરમાં વધારે ભીડ થાય છે. વાહનો વધારે હોવાથી આપણે જોયું છે કે ત્યાં અવ્યવસ્થા થાય છે. તેના માટે છેલ્લાં એક-બે વર્ષથી ઇંટવાડા સર્કલ પાસે મોટું ગ્રાઉન્ડ છે ત્યાં વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે. તેની સાથે સાથે નોર્મલ ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન થાય તે માટે પોલીસે સંપૂર્ણ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી છે. લાઇનમાં ઊભેલા શ્રદ્ધાળુઓને LEDથી દર્શન થશે આ વખતે મંદિર બહાર ઊભેલા શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન થઇ શકે તે માટે વોટરવર્કસ, AMC વર્ક શોપની દીવાલ અને જમાલપુર ચાર રસ્તા એમ કુલ 3 જગ્યાએ LED સ્ક્રીન લગાવાશે. આ અંગે તેમણે કહ્યું કે ઝોન-3ના DCP રૂપલ સોલંકી આ નવી પહેલ કરી છે જેથી લાઇનમાં ઊભેલા દર્શનાર્થીઓને મંદિરમાં બિરાજમાન ભગવાનના દર્શન થઇ શકે. ગયા વર્ષે હાથીના કારણે મચેલી નાસભાગને ધ્યાને લઇને તેમણે અપીલ કરી કે હાથી જે રૂટ પરથી પસાર થાય તેની આજુબાજુમાં મોટા અવાજે ડી.જે. ના વગાડવું જોઇએ સાથે સાથે ફટાકડાં, ઢોલ નગારાં કે બીજા કોઇ મોટાં અવાજ કરતાં સાધનો પણ વગાડવા ન જોઇએ. 8 મિની કન્ટ્રોલરૂમ શરૂ કરાશે શહેરકોટડા, કાલુપુર, ખાડિયા, દરિયાપુર જેવા સ્થળોએ 8 મિની કન્ટ્રોલ રૂમ શરુ કરાશે. રથયાત્રા માટે આ પોલીસ અધિકારીઓ વિશેષ જવાબદારી સંભાળી રહ્યાં છે. ચાલુ વર્ષે ગરમીને ધ્યાને રાખી ફરજ પરના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તે માટે ORSના 5 હજાર પેકેટ પણ અપાશે.
કનેક્ટ વિથ ધર્મેશ પ્રજાપતિ +91 7359585035 Call / WhatsApp
Website: ambeinfotech.com
Read more on newsforyou.live

