Sanju Samson એવોર્ડ લેતાં થયો ઈમોશનલ, સચિન તેંડુલકર સાથે કરી લાંબી વાતચીત અને બન્યો વર્લ્ડકપ ચેમ્પિયન

📅 Published: March 8, 2026 | 📂 Category: sports

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. આ વર્લ્ડકપ જીતમાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો હીરો હતો. આ વર્લ્ડકપ પહેલા સુધી સંજુ ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની સુપર-8 મેચથી લઈને ફાઈનલ સુધી, સંજુએ સતત 3 મેચમાં પચાસથી વધુ રન બનાવીને એક નવો ઈતિહાસ રચ્યો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

આ ફાઈનલ પછી સંજુ સેમસને કેટલાક મોટા ખુલાસા કર્યા. તેને જણાવ્યું કે સચિન તેંડુલકરે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને કેવી રીતે મદદ કરી.

T20 વર્લ્ડકપ જીત્યા બાદ સંજુ સેમસને શું કહ્યું?

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ થયા બાદ સંજુ સેમસને કહ્યું કે “આ વર્લ્ડકપ જીતવો એ એક સ્વપ્ન જેવું લાગે છે. હું ખૂબ ખુશ અને આભારી છું. આ જીતનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો કે લાગણીઓ નથી.” છેલ્લી 3 મેચમાં સતત 3 અડધી સદી ફટકારવા અંગે તેને કહ્યું કે “સાચું કહું તો, તે એક કે બે વર્ષ પહેલા શરૂ થયું હતું. જ્યારે હું 2024 વર્લ્ડકપ ટીમમાં હતો, જ્યાં હું રમ્યો ન હતો, ત્યારે હું વિચારતો રહ્યો, કામ કરતો રહ્યો, અને તે જ હું કરવા માગતો હતો.”

ન્યુઝીલેન્ડ સિરીઝ પછી સંજુ હતો ખૂબ જ દુઃખી

T20 વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે 5 મેચની T20 સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. તે સિરીઝમાં સંજુ સેમસન એક પણ રન બનાવી શક્યો ન હતો. આને લઈને સંજુ સેમસનએ કહ્યું કે “ન્યુઝીલેન્ડ સિરીઝ પછી હું ભાંગી પડ્યો હતો. મારા સપના સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયા હતા. મને આશ્ચર્ય થયું કે હું શું કરી શકું. પરંતુ ભગવાનની બીજી યોજના હતી. અને મને સ્વપ્ન જોવાની હિંમત કરવા બદલ એવોર્ડ મળ્યો. ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ મારો સંપર્ક કર્યો અને મને મદદ કરવાનો પ્રયાસ કર્યો.”

સંજુ સેમસને સચિન તેંડુલકર વિશે મોટી વાત કહી

છેલ્લે સંજુએ સચિન તેંડુલકરે તેને કેવી રીતે મદદ કરી તેનો ઉલ્લેખ કર્યો. ઈન્ટરવ્યૂ દરમિયાન સંજુએ કહ્યું કે “છેલ્લા કેટલાક મહિનાઓથી, હું સચિન સરના સતત સંપર્કમાં છું. મેં તેમનો સંપર્ક કર્યો છે અને તેમની સાથે ઘણી વાત કરી છે. તેમના જેવા કોઈનું માર્ગદર્શન મેળવવા માટે તમે બીજું શું માગી શકો છો? મને સપોર્ટ કરનારા દરેકનો હું ખૂબ આભારી છું. આ મારા માટે ખૂબ જ મોટી વાત છે. હું હમણાં માટે તેનો આનંદ માણવા માગુ છું અને પછી વિચારીશ કે આગળ શું કરવું.”

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *