સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કામરેજના ધાતવા અને જીયોર ગામે તાપી નદીના પટમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર અધિકારીઓએ ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીને પગલે નદીના પટમાં રેતીની ચોરી કરતા ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે.
કામરેજના ધાતવા અને જીયોર ગામે પાડ્યા દરોડા
ભૂસ્તર વિભાગની આ તપાસ દરમિયાન સ્થળ પરથી મોટા પાયે રેતી કાઢવા માટેના સાધનો ઝડપાયા છે. અધિકારીઓએ કાર્યવાહી દરમિયાન 3 હિટાચી મશીન, 6 યાંત્રિક નાવડી અને 3 ટ્રક સહિત કુલ 2.10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. નદીની મધ્યમાં નાવડીઓ મૂકીને અત્યાધુનિક યંત્રો દ્વારા રેતી ઉલેચવાનું વ્યવસ્થિત નેટવર્ક અહીં કાર્યરત હતું, જેનો તંત્રએ પર્દાફાશ કર્યો છે.
ગેરકાયદેસર રીતે થતા રેતી ખનન પર દરોડા
તાપી નદીના કિનારે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મેગા સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભૂસ્તર વિભાગે તમામ વાહનો અને મશીનરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં પણ રેતી માફિયાઓ વિરુદ્ધ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સૂચના વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
