Surat : કીમ-માંડવી રોડ પર ટોલનાકાનો ઉગ્ર વિરોધ,સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો

📅 Published: March 18, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઝરપણ ગામે આવેલા GSRDC હસ્તકના ટોલનાકા પર આજે વહેલી સવારથી જ ભારે હોબાળો મચ્યો હતો. કીમ થી માંડવી વચ્ચેના નવા બનેલા ફોરલેન હાઈવે પર શરૂ કરાયેલા ટોલ ટેક્સના વિરોધમાં આસપાસના અનેક ગામોના ખેડૂતો અને સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.

 ટૂંકા અંતરમાં 2 ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા

સ્થાનિકોનો આક્ષેપ છે કે કીમ થી માંડવી સુધીનું અંતર માત્ર 45 કિલોમીટર છે, છતાં GSRDC દ્વારા આ ટૂંકા અંતરમાં 2 ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા છે. અહીંથી પસાર થતા વાહનો પાસેથી એક તરફના 35 અને બંને તરફના 55 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

ખેડૂતોની હાલાકી

ઝરપણ, અરેઠ અને ઝાબ જેવા ગામોના ખેડૂતો ભારે રોષમાં છે કારણ કે આ રોડ બનાવવા માટે સ્થાનિકોએ જ પોતાની કિંમતી જમીનો આપી છે.અનેક ખેડૂતોના ઘર ટોલની એક તરફ છે અને ખેતર બીજી તરફ, જેના કારણે દિવસમાં અનેકવાર ટોલ ભરવાની નોબત આવે છે. પશુઓ માટે ઘાસચારો લઈ જતા કોમર્શિયલ વાહનો પાસેથી પણ ટોલ ઉઘરાવવામાં આવતા પશુપાલકોમાં રોષ છે.

ગ્રામજનો ટોલનાકા પર એકત્ર થઈ રસ્તા પર બેસી ગયા

આજે સવારથી જ મોટી સંખ્યામાં ગ્રામજનો ટોલનાકા પર એકત્ર થઈ રસ્તા પર બેસી ગયા હતા, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ વણસતા મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ટોલનાકા પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી છેક ગાંધીનગરથી GSRDCના ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી. ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં સુધી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે..

આ પણ વાંચો—-    Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *