સમગ્ર રાજ્યમાં હાલ ગેસના પુરવઠામાં મોટી અછત જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને શ્રમિક પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા તત્વો સામે સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સચિન વિસ્તારના વાંઝ ગામમાં પોલીસે દરોડા પાડીને ગેરકાયદે રિફિલિંગ કરતા બે દુકાનદારોની ધરપકડ કરી છે.
યુદ્ધની સ્થિતિનો ગેરલાભ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના સપ્લાય પર અસર પડી છે, જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ તકનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ગેસ સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ કરીને ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા હતા. સચિન વાંઝ ગામમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
પોલીસના દરોડા દરમિયાન બે દુકાનદારો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેઓ સુરક્ષિત સાધનો વગર જોખમી રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા, જે કોઈ મોટી દુર્ઘટનાને પણ નોતરી શકત. પોલીસે બંને દુકાનદારોની અટકાયત કરી છે અને ઘટનાસ્થળેથી ગેસ સિલિન્ડર તેમજ રિફિલિંગ માટેના સાધનો જપ્ત કર્યા છે.
