Surat: ગ્રે કાપડના નામે ઠગાઈ કરનાર સૂત્રધારને ઝડપી પાડ્યો, વેપારી સાથે કરી હતી 13 લાખની છેતરપિંડી

📅 Published: March 1, 2026 | 📂 Category: gujarat-news

સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષો જૂના અનસોલ્વડ ગુનાઓ ઉકેલવાની દિશામાં એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2008માં ટેક્સટાઈલ સિટીના એક વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગાર લલિત દવેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 16 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો.

સુરતમાં છેતરપિંડી કરનારો ઝડપાયો 

ઘટનાની વિગત મુજબ, વર્ષ 2008માં આરોપી લલિત ગૌરીશંકર દવેએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટના એક વેપારીનો સંપર્ક કર્યો હતો. વિશ્વાસમાં લઈને લલિતે વેપારી પાસેથી અંદાજે રૂપિયા 13.18 લાખની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જોકે, કાપડનો જથ્થો મેળવ્યા બાદ તેનું પેમેન્ટ ચૂકવવાને બદલે આરોપી રાતોરાત ફરાર થઈ ગયો હતો.

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો

આ મામલે જે તે સમયે ભોગ બનનાર વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ લલિત દવેનો કોઈ પતો લાગતો નહોતો. તે સતત પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસથી બચતો ફરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ચોક્કસ બાતમી અને ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને લલિત ગૌરીશંકર દવેને દબોચી લેવામાં આવ્યો છે. વર્ષો જૂના આર્થિક ગુનામાં સંડોવાયેલા આ શખ્સની ધરપકડથી કાપડ માર્કેટના અન્ય વેપારીઓમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આટલા વર્ષો તે ક્યાં છુપાયો હતો અને અન્ય કેટલા લોકો સાથે તેણે આવી ઠગાઈ કરી છે.

આ પણ વાંચો: Veraval: ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર સહિત બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *