અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા કરોડોના નકલી નોટ રેકેટના તાર હવે સુરતના કામરેજમાં આવેલા ધોરણ પારડીના આશ્રમ સાથે મજબૂતીથી જોડાયા છે. આ મામલે સામાજિક કાર્યકર મહેશ વાઘાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, યોગગુરુના સ્વાંગમાં ફરેલા પ્રદીપ જોટાંગીયાએ આસ્થાના નામે મોટું કૌભાંડ આચર્યું છે.
સતીઓના નામે ગ્રુપ બનાવી ઉઘરાવ્યું ફંડ
મહેશ વાઘાણીના આક્ષેપ મુજબ, પ્રદીપે સુરતના યોગીચોક વિસ્તારની ભોળી મહિલાઓને શિકાર બનાવી હતી. તેણે અલગ-અલગ સતીઓના નામે મહિલાઓના ગ્રુપ બનાવ્યા હતા અને તેમની પાસેથી ધર્મના નામે મસમોટું ફંડ-ફાળો ઉઘરાવ્યો હતો. આ ઉઘરાવેલા પૈસાનો ઉપયોગ કરીને તેણે કામરેજના ધોરણ પારડીમાં આલીશાન આશ્રમ અને બંગલો ઉભો કર્યો હતો. આશ્રમની આડમાં તે પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો.
વિરોધ કરનારાઓને ખોટા કેસમાં ફસાવ્યા
નોંધનીય છે કે, મહેશ વાઘાણી અને તેમના ગ્રુપ દ્વારા અગાઉ પણ આ નકલી યોગગુરુનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે પોતાની પોલ ખુલતી જોઈ પ્રદીપે હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. તેણે ઝેરી દવા ગટગટાવવાનું નાટક કરીને વિરોધ કરનારા લોકો સામે ખોટા પોલીસ કેસો કર્યા હતા અને તેમને જેલમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા.
પોલીસની કામગીરીની પ્રશંસા
નકલી નોટ રેકેટમાં પ્રદીપની ધરપકડ થતા મહેશ વાઘાણીએ સંતોષ વ્યક્ત કર્યો છે અને પોલીસની કામગીરીને બિરદાવી છે.
આ પણ વાંચો— Surat નકલી નોટ કાંડ, કામરેજના સત્ય યોગ આશ્રમના ‘મહારાજ’નો આપઘાતનો ડ્રામા, લેણદારોને ડરાવવા ખેલ્યો ખેલ
