શહેરમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા તત્વો વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત SOGની ટીમે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં ઓચિંતા દરોડા પાડીને ગેરકાયદેસર રીતે નશાકારક સિરપ વેચતા બે મેડિકલ સ્ટોર્સને ઝડપી પાડ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રાખીને કાર્યવાહી
SOG પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારના અમુક મેડિકલ સ્ટોર્સમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મેડિકલ સ્ટોર્સમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાકારક સિરપની 18 બોટલો મળી આવી હતી, જેને પોલીસે કબ્જે કરી છે.
બંને સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ
નિયમોનું ઉલ્લંઘન કરી નશો પીરસતા બંને મેડિકલ સંચાલકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નશાકારક સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કેટલા મેડિકલ સ્ટોર્સ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ છે.
આ પણ વાંચો: Vadodara: વેરા વસૂલાત માટે VMC કડક, રવિવારે પણ વોર્ડ ઓફિસો ધમધમશે
