સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સુરત શહેર પોલીસના એસીપી વી.આર.મલહોત્રા દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે.
ડાન્સ કરવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી
માહિતી અનુસાર, 14 માર્ચના રોજ ગેલેક્સી આર્મી સ્કૂલની બહાર આ ઘટના બની હતી. શાળામાં યોજાયેલા એન્યુઅલ ફંકશન દરમિયાન ડાન્સ કરવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ વિવાદ બાદ ચાર વિદ્યાર્થીઓએ મળી ધોરણ 10ના એક વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
હુમલો કરનાર ચારેય વિદ્યાર્થી સગીર વયના છે
તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરનાર ચારેય વિદ્યાર્થી સગીર વયના છે. તેમાં બે વિદ્યાર્થી પાંડેસરાની ગૌરવ સ્કૂલના છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થી ગેલેક્સી આર્મી સ્કૂલ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોમાંથી એક વિદ્યાર્થીએ અભ્યાસ પણ છોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
ચપ્પુ ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હુમલા માટે ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. એન્યુઅલ ફંકશનમાં થયેલી માથાકૂટ બાદ હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય શાળાના બે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને બાદમાં ચારેયે મળીને ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
તકેદારીના પગલાં ભરવા અંગે પણ તપાસ
હાલ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. સાથે જ શાળામાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા અને તકેદારીના કયા પગલાં લેવાઈ શકે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
