Surat: શેરબજારના નામે 2.67 કરોડનું ફૂલેકું ફેરવનાર CAની પત્ની ઝડપાઈ, ખોટા લેજર રિપોર્ટ બતાવી આચરી હતી છેતરપિંડી

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

સુરત શહેરમાં શેરબજારમાં રોકાણ કરી ઊંચો નફો મેળવવાની લાલચ આપી વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર દંપતી પૈકીની પત્નીને પોલીસે ઝડપી પાડી છે. સુરત પોલીસની ઝોન-1 ની ટીમે છેલ્લા પાંચ મહિનાથી ફરાર નિધિ અગ્રવાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ

મળતી માહિતી મુજબ, આરોપી દંપતીએ શેરબજારમાં રોકાણ કરવાના બહાને અનેક વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા. તેઓ રોકાણકારોને શેરબજારના ખોટા લેજર રિપોર્ટ્સ બતાવીને એવું સાબિત કરતા હતા કે તેમનું રોકાણ સુરક્ષિત છે અને નફો થઈ રહ્યો છે. આ રીતે અલગ-અલગ વેપારીઓ પાસેથી દંપતીએ કુલ રૂપિયા 2.67 કરોડનું રોકાણ કરાવી ફૂલેકું ફેરવ્યું હતું.

પોતાના જ CA સાથે ઠગાઈ

આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ દંપતીએ પોતાના જ CA નરેન્દ્ર બથાણીને પણ બાકાત રાખ્યા નહોતા અને તેમની સાથે પણ છેતરપિંડી કરી હતી. જોકે, CA નરેન્દ્ર બથાણીને વ્યવહારોમાં શંકા જતાં તેમણે તપાસ કરી હતી, જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

5 મહિનાથી હતા ફરાર

છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ દંપતી પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા પાંચ મહિનાથી ફરાર થઈ ગયું હતું. સુરત પોલીસની ઝોન-1 ની ટીમ સતત તેમના લોકેશન પર નજર રાખી રહી હતી, જેમાં સફળતા મળતા નિધિ અગ્રવાલને દબોચી લેવામાં આવી છે. પોલીસ હવે ફરાર પતિની શોધખોળ કરી રહી છે અને આ ફ્રોડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Gondal: કોટડા સાંગાણી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક યુવાનનું મોત, બેની હાલત ગંભીર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *