Surat : સચિત વિસ્તારમાં હત્યાના કેસમાં ફરાર આરોપી 28 વર્ષે ઝડપાયો, જુઓ VIDEO

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

સુરત શહેરના સચિન વિસ્તારમાં વર્ષો પહેલા બનેલી હત્યાની ઘટનામાં ફરાર રહેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે આખરે 28 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી વિજય ઉર્ફે બીજી કૃષ્ણ સ્વાંઈને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 1998માં સચિન GIDC વિસ્તારમાં આરોપી વિજયે અન્ય સહ-આરોપીઓ સાથે મળી એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરી હતી.

આરોપી પહેલા પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ આરોપી સતત પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ રહેતો હોવાથી તેની ધરપકડ શક્ય બની નહોતી. હત્યા કર્યા બાદ આરોપી પ્રથમ પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. ત્યાં તે લાંબા સમય સુધી કોલસાની ખાણમાં મજૂરી કરીને જીવન પસાર કરતો હતો. બાદમાં શંકા ટાળવા માટે તે પોતાના વતન ઓરિસ્સા પરત ગયો હતો, જ્યાં તે ખેતમજૂરી કરીને જીવન નિર્વાહ કરતો હતો.

બાતમીના આધારે પોલીસે લોકેશન શોધી કાઢ્યું

આરોપી લાંબા સમયથી પોલીસની નજરથી બચતો રહ્યો હતો, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ માહિતી અને બાતમીના આધારે તેનું હાલનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ટીમ ઓરિસ્સા પહોંચી ગંજામ જિલ્લામાંથી તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા કલમ 70 મુજબ વોરંટ પણ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ કરી રહી છે અને કેસ સંબંધિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *