Surat: 4 રાજ્યોમાં 100 ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર જીમી ઝડપાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડને આંતરરાજ્ય ગુનાખોરી ડામવામાં મોટી સફળતા મળી છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ધોળે દિવસે ઘરફોડ ચોરી કરીને પોલીસને હંફાવનાર રીઢા ચોર જીમી ઉર્ફે દીપક બિપિન શર્માને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે સુરત જિલ્લાના અનેક વણઉકેલ્યા ગુનાઓ પરથી પડદો ઉચકાયો છે.

ચાર રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરી

મહારાષ્ટ્રના નંદુરબારનો વતની દીપક શર્મા અત્યંત શાતિર રીતે ચોરીને અંજામ આપતો હતો. તે બાઈક પર રેકી કરતો અને સુમસામ ઘર મળે એટલે ધોળે દિવસે જ ઘરના તાળા તોડીને હાથફેરો કરી લેતો હતો. તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં અત્યાર સુધી 100થી વધુ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

ઝડપાયેલ મુદ્દામાલ

પોલીસે આરોપી પાસેથી ચોરીના સોનામાંથી બનાવેલી રૂ. 6.40 લાખની 1 લગડી, રૂ. 9.15 લાખના સોનાના 8 કોઈન, રૂ. 1.15 લાખ રોકડા, બે મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂ. 18.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વ્યાપક ગુનાહિત ઇતિહાસ

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દીપક શર્માએ બારડોલી, ઓલપાડ, માંડવી, કોસંબા, માંગરોળ, કામરેજ અને રાજસ્થાનમાં 19થી વધુ ચોરી કરી છે. આ ઉપરાંત તેણે સુરત શહેર, ભરૂચ, વડોદરા, નર્મદા, દાહોદ, મહીસાગર અને અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ અનેક ચોરીઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઓપરેશન પાર પાડવા માટે LCB અને પેરોલ ફર્લોની 6 અલગ-અલગ ટીમો સતત કાર્યરત હતી.

આ પણ વાંચો: Surat: મોટા વરાછામાં નશામાં ચૂર યુવકોએ અકસ્માત સર્જ્યો, ઉશ્કેરાયેલા ટોળાએ જાહેરમાં મેથીપાક આપ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *