Surat: AMNS તોડફોડ કાંડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજની કીટ વહેંચી જીત્યા દિલ

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

હજીરા સ્થિત AMNS કંપનીમાં તાજેતરમાં થયેલી તોડફોડ અને આગજનીની ઘટના બાદ વિસ્તારમાં પ્રવર્તતી તંગદિલી દૂર કરવા માટે સુરત પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ કામદારોની વિવિધ કોલોનીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

અનાજ કીટનું વિતરણ અને સમજાવટ

પોલીસ દ્વારા માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ માનવીય અભિગમ દાખવીને જરૂરિયાતમંદ કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ કામદારોને સમજાવ્યું હતું કે “પોલીસ તમારી મિત્ર છે, દુશ્મન નહીં.” કામદારોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાતરી અપાઈ હતી કે તેમને તમામ જરૂરી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.

કડક ચેતવણી સાથે શાંતિની અપીલ

એક તરફ જ્યારે પોલીસ મિત્રતાનો હાથ લંબાવ્યો, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચના પણ આપી હતી. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે હિંસા આચરશે તો પોલીસ તેની સામે અત્યંત કડક કાર્યવાહી કરશે. આ સમજાવટ બાદ કામદારોએ પણ શાંતિપૂર્ણ રીતે કામ કરવાની અને સહયોગ આપવાની ખાતરી આપી હતી.

તાળીઓના ગડગડાટથી સ્વાગત

પોલીસની આ સકારાત્મક અને સુરક્ષાત્મક કામગીરીથી પ્રભાવિત થઈને કામદારોએ પોલીસ કાફલાનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. હાલમાં AMNS કંપની અને આસપાસની કોલોનીઓમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસનું સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે.

આ પણ વાંચો:Surat: SMCના ગારબેજ ડમ્પરે મોપેડ ચાલકને કચડ્યો, ઉધનામાં મોડી રાત્રે અકસ્માતમાં યુવકનું કરુણ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *