Surat News : અલ્બેનિયાના નકલી વિઝા આપી સુરતના એજન્ટ સાથે રૂ.39 લાખની છેતરપિંડી કરાઈ

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

ઠગબાજે અસલી જેવા લાગતા નકલી વિઝા અને ડમી એર ટિકિટો આપી વિશ્વાસ કેળવ્યો હતો, પરંતુ એમ્બેસીમાં તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટયો હતો. મળતી વિગતો મુજબ પાલનપુર ગામ, શ્રીલેખા રેસિડન્સીમાં રહેતા અંકુર ગુણવંતલાલ પટેલ (૩૬) પાલ ગૌરવપથ રોડ પર બેલેજીમો હબમાં ઇલાઇટ વિઝા હબ ઇમિગ્રેશનના નામે ઓફિસ ધરાવે છે.

રકમ મેળવ્યા બાદ તેણે ક્લાયન્ટ્સને ઈ-વિઝા અને ફ્લાઈટની ટિકિટો મોકલી આપી હતી

અંકુર પટેલને વર્ષ ૨૦૨૫ના ફેબ્રુઆરી માસમાં એક અજાણ્યા નંબર પરથી વૉટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળા શખ્સે પોતાની ઓળખ રાજ ઉર્ફે રોકી પટેલ (રહે. કલોલ, ગાંધીનગર) તરીકે આપી હતી અને પોતે વિદેશના વર્ક વિઝાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. અલ્બેનિયા, ફિનલેન્ડ, યુકે, ઓસ્ટ્રેલિયા, સ્લાવોકીયાના વિઝા કરી આપવાની તેને વાત કરી હતી. શરૂઆતમાં ત્રણ ક્લાયન્ટના વિઝા મોકલી વિશ્વાસ જીત્યા બાદ અંકુરભાઈએ પોતાના અન્ય ૨૦ ક્લાયન્ટ્સના દસ્તાવેજો તેને મોકલ્યા હતા. ઠગબાજ રાજ ઉર્ફે રોકીએ આ કામ પેટે અલગ-અલગ સમયે દિલ્હી ખાતે આંગડિયા મારફતે કુલ રૂ. ૩૯.૦૫ લાખ મંગાવ્યા હતા. આ રકમ મેળવ્યા બાદ તેણે ક્લાયન્ટ્સને ઈ-વિઝા અને ફ્લાઈટની ટિકિટો મોકલી આપી હતી. જોકે, ફ્લાઈટના એક-બે દિવસ અગાઉ જ ટિકિટો રદ થઈ જતી હતી. જયારે આ બાબતે પૂછપરછ કરવામાં આવતી ત્યારે રોકીએ ટેકનિકલ ખામી હોવાનું રટણ કરતો હતો.

એમ્બેસીના ઇ-મેઇલથી ભાંડો ફૂટયો

વારંવાર ટિકિટો રદ થતા શંકા જતા અંકુરભાઈએ અલ્બેનિયા એમ્બેસીમાં ઇમેઇલ કરીને વિઝાની ખરાઈ કરી હતી. એમ્બેસીએ વળતા જવાબમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ વિઝા નકલી છે અને એમ્બેસી દ્વારા જારી કરવામાં આવ્યા નથી. આના પર મુસાફરી કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. છેતરપિંડીની જાણ થતા જ્યારે રાજ ઉર્ફે રોકીને પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે અંકુરભાઈનો નંબર બ્લોક કરી દીધો હતો. આખરે કંટાળીને અંકુરે પાલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે રાજ ઉર્ફે રોકી પટેલ (રહે. કલોલ, ગાંધીનગર) સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar News : અડાલજ-કલોલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમાં 2ના મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *