Surat News: દુબઈ અને ગુઆંગઝૂ જેવું વૈશ્વિક ટ્રેડિંગ હબ બનવા તરફ દક્ષિણ ગુજરાતની દોટ

📅 Published: March 13, 2026 | 📂 Category: gujarat-news

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ.1185 કરોડનાં કામોને મંજુરી આપી છે.આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.

મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્ર તરીકે વિકસાવાશે

ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર 17 મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો હેતુ વર્ષ-2047 સુધી સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.

આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી

વર્ષ 2024માં નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા આ વ્યાપક આર્થિક માસ્ટર પ્લાન અંગે મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “સુરત ઇકોનોમિક રિજિયન માટેનો આ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર તરીકે દૃષ્ટિવંત, ગતિશીલ અને સર્વસમાવેશી વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. જિલ્લાવાર ફાળવણીમાં સુરતને રૂ. 631 કરોડ ફાળવવામાં આવ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતનાં વિકાસમાં સુરતની મુખ્ય ભૂમિકા રહી છે. વલસાડ જિલ્લાને રૂ. 264 કરોડની મંજૂરી આપી છે જ્યારે બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં કામો માટે ફાળવવવામાં આવી છે.

ચાર પાયલોટ શહેર પ્રદેશોમાં સ્થાન મળ્યું

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોકાણો દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્લસ્ટરો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત કરવા માટે છે. વિશ્વમાં દરિયાકાંઠાના વિસ્તારો અને સારી રીતે જોડાયેલા આંતરિક પ્રદેશો અદ્યતન ટ્રેડિંગ સેન્ટર તરીકે ઉભરી રહ્યા હોવાથી રાજ્ય સરકાર મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યૂહાત્મક સ્થાનને કારણે સુરતને દેશમાં આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે પસંદ કરાયેલા ચાર પાયલોટ શહેર પ્રદેશોમાં સ્થાન મળ્યું છે.

પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે 4,600 ડોલર

હાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે 4,600 ડોલર છે, જેને 2047 સુધી વધારીને 45,000 ડોલરથી વધુ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.અધિકારીઓનું કહેવું છે કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે. માર્ગ સુધારણા અને વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,185 કરોડની મંજૂરી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.રાજ્ય સરકારની વિકાસ રણનીતિમાં ટકાઉ વિકાસ, આર્થિક વૈવિધ્યતા અને સંતુલિત પ્રાદેશિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના દ્વારા સુરત તથા આસપાસના જિલ્લાઓને મજબૂત આર્થિક શક્તિ કેન્દ્ર તરીકે વિકસાવવાનું ઉદ્દેશ છે.

આ પણ વાંચોઃ Chinaએ સમુદ્રમાં ત્રણ દેશો વચ્ચે જહાજો માટે કેમ ઉભો કર્યો અવરોધ, જાણો શું છે મામલો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *