સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. જાહેર પરિવહન સેવા એવી ‘બ્લુ બસ’ના કંડક્ટર પર કેટલાક અસામાજિક તત્વોએ હિંસક હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં બસ સ્ટોપ પર બસ ઉભી હતી ત્યારે બસમાં ચઢવા જેવી સામાન્ય બાબતે 3 થી 4 અસામાજિક તત્વોએ કંડક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
બસમાં ચઢવા બાબતે કંડકટરને માર માર્યો
વિવાદ એટલો વધી ગયો કે આ શખ્સોએ પોતાની મર્યાદા ઓળંગીને બસના કંડક્ટર પર હુમલો કરી દીધો હતો. જાહેરમાં કંડક્ટરને માર મારતા મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ હુમલાની સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો કાયદાનો ડર રાખ્યા વિના ફરજ પરના કર્મચારીને માર મારી રહ્યા છે.
બ્લુ બસ ચાલકને 3 થી 4 ઈસમો કર્યો હુમલો
વાયરલ વીડિયોના આધારે સ્થાનિક પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભેસ્તાન જેવા વિસ્તારોમાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા કરવામાં આવતી આવી દાદાગીરીને ડામી દેવા માટે સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે વીડિયોમાં દેખાતા તમામ હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
