ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર સગીરોમાં વધતા જતા આક્રોશની હચમચાવતી ઘટના સામે આવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક શાળામાં નાચવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર વિદ્યાર્થીઓએ ભેગા મળીને પોતાના જ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ફાળ પડી છે.
નજીવી બાબતે ખેલાયો લોહિયાળ ખેલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરાની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે નાચવા (ડાન્સ કરવા) બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એટલો વકર્યો કે ચાર વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈને તેમના જ સાથી મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં વિદ્યાર્થીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મિત્રો જ બન્યા દુશ્મન
આશ્ચર્યની વાત એ છે કે, હુમલો કરનાર અને ભોગ બનનાર તમામ એકબીજાના મિત્રો હતા. સાથે અભ્યાસ કરતા કિશોરોમાં નજીવી વાતમાં ચપ્પુ કાઢવાની આ પ્રવૃત્તિ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે નોંધી ફરિયાદ
પાંડેસરા પોલીસે આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરી ચારેય હુમલાખોર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, વિદ્યાર્થીઓ પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું અને શું અગાઉ પણ તેમની વચ્ચે કોઈ અદાવત હતી કે કેમ.
આ પણ વાંચો – Surat: ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યાનો મામલો, પોલીસે 4 હુમલાખોરોની ધરપકડ કરી
