Surat News: સારોલી પોલીસની મોટી સફળતા, છેતરપિંડી આચરનાર વિજય અગ્રવાલ પશ્ચિમ બંગાળથી ઝડપાયો

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓનો વિશ્વાસ જીતીને લાખો રૂપિયાનો કાપડનો માલ પડાવી લીધા બાદ પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં સારોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી છેતરપિંડી આચરનારા આરોપી વેપારી વિજય ચોથમલ અગ્રવાલને પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

16.20 લાખની છેતરપિંડીની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી વિજય અગ્રવાલે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેણે અલગ-અલગ સમયે વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 16,20,992 ની મત્તાનો કાપડનો માલ મેળવ્યો હતો. માલ મેળવી લીધા બાદ તેણે વેપારીઓને પેમેન્ટ ચૂકવવાના વાયદા કર્યા હતા, પરંતુ અંતે માતબર રકમ ચુકવ્યા વગર જ તે ફરાર થઈ ગયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભોગ બનનાર વેપારીએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પશ્ચિમ બંગાળથી ઝડપાયો આરોપી

સુરત શહેર સારોલી પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળી હતી કે આરોપી વિજય અગ્રવાલ પશ્ચિમ બંગાળમાં છુપાયો છે. સારોલી પોલીસની એક ટીમ કલકત્તા રવાના કરવામાં આવી હતી અને ત્યાં સ્થાનિક કક્ષાએ તપાસ કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીને સુરત લાવીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ સફળ કામગીરીથી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો – Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *