Surat: SMCના ગારબેજ ડમ્પરે મોપેડ ચાલકને કચડ્યો, ઉધનામાં મોડી રાત્રે અકસ્માતમાં યુવકનું કરુણ મોત

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

સુરત મહાનગરપાલિકાના વાહનો ફરી એકવાર જીવલેણ સાબિત થયા છે. ગત મોડી રાત્રે શહેરના ઉધના વિસ્તારમાં આવેલા વિનાયક નગર પાસે SMC ના એક ગારબેજ ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી મોપેડ સવારને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સુરતમાં SMCના ડમ્પરે લીધો એકનો ભોગ

મળતી માહિતી મુજબ, ઉધના વિનાયક નગર નજીક રોડ પરથી પસાર થઈ રહેલા મોપેડ સવારને પાછળથી આવી રહેલા SMC ના ગારબેજ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તુરંત જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહાનગરપાલિકાના ડમ્પર ચાલકોની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ મોત

ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ અને પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પરિસ્થિતિને થાળે પાડી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પાંડેસરા પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તહેવારોના સમયે જ પરિવારના સભ્યનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ભારે શોક અને આક્રંદ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો: Surat: સરકારી યોજનાના બહાને આદિવાસીઓ છેતરપિંડી, 14 લોકોના નામે બોગસ પેઢી બનાવી આચર્યું ટેક્સ કૌભાંડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *