T20 વર્લ્ડકપ 2026 પહેલા પાકિસ્તાન ક્રિકેટ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો સતત ભય રહેલો છે. આ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ટીમના કેપ્ટનને લઈને આપેલા નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
પાકિસ્તાન હજુ સુધી ટુર્નામેન્ટમાંથી બહાર થયું નથી, પરંતુ સુપર 8 માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સલમાન અલી આગાની કેપ્ટનશીપ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે, અને ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે તેમનો કાર્યકાળ લાંબો સમય ચાલશે નહીં.
કોલંબોમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને મોટી રાહત આપી. હવે પલ્લેકેલેમાં શ્રીલંકા સામે પાકિસ્તાને નેટ રન રેટના આધારે સેમીફાઈનલમાં ક્વોલિફાય થવા માટે અથવા તો 65 રનથી જીતવું પડશે અથવા 40 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરવું પડશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા શાહિદ આફ્રિદીએ એક દાવો કર્યો. તેને કહ્યું કે જો માઈક હેસન હેડ કોચ રહેશે, તો શાદાબ ખાનને કેપ્ટન બનાવવું લગભગ નિશ્ચિત છે. હેસન અને શાદાબ આ પહેલા પાકિસ્તાન સુપર લીગ ફ્રેન્ચાઈઝ ઇસ્લામાબાદ યુનાઈટેડમાં સાથે કામ કરી ચૂક્યા છે.
શાદાબ ખાનનું માઈક હેસન સાથે છે જૂનું ક્નેક્શન
શાહિદ આફ્રિદીએ સમા ટીવી પર કહ્યું કે જો માઈક હેસન કોચ રહેશે, તો તેમનું માનવું છે કે શાદાબ ખાનને કેપ્ટન બનાવવામાં આવશે. તેમનો સંબંધ લાંબા સમયથી છે, જે પાકિસ્તાન સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ સાથે રમ્યા ત્યારથી છે. શાદાબ ખરાબ સિલેક્શન નથી, પરંતુ જો તે બોલર તરીકે સુધારો કરે તો તે ખૂબ સારું રહેશે.
શાહિદ આફ્રિદીએ કહ્યું કે “અમને શાદાબના સતત પ્રદર્શનની જરૂર છે. જો એવું થશે, તો અમે તેને કેપ્ટન કહીને ખુશ થઈશું.” તેઓ હંમેશા કહેતા હતા કે તેઓ ટીમનો આધારસ્તંભ છે. તેમનું માનવું છે કે શાદાબને કેપ્ટન બનાવવામાં આવશે કારણ કે તેમની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તેને કેપ્ટન બનાવો, પરંતુ તેને એક સારો પ્રદર્શનકર્તા બનવું જોઈએ.
કેપ્ટનશીપની રેસમાં આગળ
તમને જણાવી દઈએ કે ભારતની 61 રનની હાર બાદ શાહિદ આફ્રિદીએ શાદાબને ટીમમાંથી દૂર કરવાની પણ માગ કરી હતી. પરંતુ નામિબિયા સામે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બાદ શાદાબે ભૂતપૂર્વ ખેલાડીઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમની ટીમ વર્લ્ડકપમાં ભારતને હરાવી શકે છે, પરંતુ ભૂતપૂર્વ ખેલાડીઓ આવો દાવો કરી શકતા નથી. આ નિવેદન માટે તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
શાહિદ આફ્રિદી પહેલા શોએબ મલિકે પણ સંકેત આપ્યો હતો કે શાદાબ કેપ્ટનશીપ માટે સૌથી આગળ છે. હાલમાં પાકિસ્તાને સુપર 8માં હજુ સુધી જીત મેળવી નથી. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે તેઓ ઈંગ્લેન્ડ સામે રોમાંચક મેચ હારી ગયા હતા. પાકિસ્તાન પહેલા સેમીફાઈનલની રેસમાં ટકી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: T20 World Cup 2026 Points Table: ઝિમ્બાબ્વેને હરાવીને ભારતની સેમીફાઈનલની શક્યતાઓ વધી!
