T20 વર્લ્ડકપ 2026માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે આ વર્લ્ડકપ માટે તમામ 4 સેમીફાઇનલ ટીમોના નામ નક્કી થઈ ગયા છે.
આ મેચમાં પહેલા બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં 196 રનનો આ ટાર્ગેટ હાંસલ કર્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ એક નવો ઈતિહાસ પણ રચ્યો. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો રન ચેઝ છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં પણ આ સૌથી મોટો રન ચેઝ છે.
વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડર અને રોવમેન પોવેલે મહત્વપૂર્ણ ઈનિંગ રમી
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની વાત કરીએ તો, શાઈ હોપ અને રોસ્ટન ચેઝે પહેલી વિકેટ માટે 68 રનની પાર્ટનરશીપ કરી હતી. કેપ્ટન હોપે ટીમ માટે ધીમી ઈનિંગ રમી હતી, આઉટ થયા પહેલા 33 બોલમાં 32 રન બનાવ્યા હતા. ત્યારબાદ હેટમાયર અને ચેઝે બીજી વિકેટ માટે 34 રન બનાવ્યા હતા. હેટમાયર 12 બોલમાં 27 રન બનાવ્યા, જ્યારે ચેઝે 25 બોલમાં 40 રન બનાવ્યા.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે રોવમેન પોવેલ અને જેસન હોલ્ડરે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પોવેલે 19 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. બંને બેટ્સમેન અંત સુધી અણનમ રહ્યા, 35 બોલમાં 76 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી.
ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને મેચ વિનિંગ ઈનિંગ રમી
ટીમ ઈન્ડિયાની શરૂઆત પણ સારી રહી ન હતી. અભિષેક શર્માએ ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન કર્યું, આઉટ થયા પહેલા 11 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન બનાવ્યા. ઈશાને પણ 6 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન બનાવ્યા. 2 વિકેટ પડ્યા પછી સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 58 રનની પાર્ટનરશીપ કરી.
આઉટ થયા પહેલા સૂર્યાએ પણ 16 બોલમાં 18 રનની ધીમી ઈનિંગ રમી. ત્યારબાદ તિલક વર્માએ 15 બોલમાં 27 રનની ઝડપી ઈનિંગ રમી. હાર્દિકે 14 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું. ટીમ ઈન્ડિયા તરફથી શિવમ દુબે અને સંજુ સેમસન અણનમ રહ્યા. સંજુ સેમસન 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 97 રન બનાવીને અણનમ રહ્યો. શિવમ દુબે 4 બોલમાં 8 રન બનાવીને અણનમ રહ્યો.
આ પણ વાંચો: IND Vs WI મેચ વરસાદને કારણે રદ્દ થાય, તો સેમીફાઈનલમાં કોને ટિકિટ મળશે?
