ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું અને હવે 8 માર્ચે ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. જેકબ બેથેલે ઐતિહાસિક સદી ફટકારી, પરંતુ ઈંગ્લેન્ડને ચોથી વખત ફાઈનલમાં લઈ જઈ શક્યો નહીં. ભારત T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ચોથી વખત ફાઈનલમાં પહોંચ્યું છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ ફક્ત 246 રન જ બનાવી શક્યું હતું અને 7 રનથી મેચ હારી ગયું હતું. સમગ્ર મેચમાં કુલ 499 રન બન્યા હતા. આ સાથે સોશિયલ મીડિયા પર ફેન્સ 7 રનથી મેચ જીતવી તેને એક ગજબ સંયોગ કહી રહ્યા છે.
7 રનથી જીતનું એમએસ ધોની સાથે ક્નેક્શન
ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 7 રનથી જીત થઈ છે અને જીતને ફેન્સ સોશિયલ મીડિયા પર એમએસ ધોની સાથે ક્નેક્ટ કરી રહ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જોવા માટે એમએસ ધોની તેની પત્ની સાથે હાજર રહ્યો હતો અને ભારતની આ 7 રનથી જીત, ફેન્સ તેની જર્સી નંબર 7 સાથે જોડી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર ફેન્સ 7 રનથી જીતને “થાલા ફોર રિઝન” સાથે જોડી રહ્યા છે.
2 ઓવરમાં પલટી ગેમ
254 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 17 ઓવરમાં 2019 રન બનાવ્યા હતા. તેમને છેલ્લી ત્રણ ઓવરમાં 45 રનની જરૂર હતી. જેકબ બેથેલ અને સેમ કરન સેટ હતા, અને જીત સંપૂર્ણપણે શક્ય લાગતી હતી.
આ દરમિયાન 18મી ઓવરમાં જસપ્રીત બુમરાહ તેના સ્પેલની છેલ્લી ઓવર ફેંકવા આવ્યો. તેને ફક્ત 6 રન આપ્યા, અને મેચ ભારતની તરફેણમાં થઈ ગઈ. બધાની નજર હવે હાર્દિક પંડ્યા પર હતી. હાર્દિક 19મી ઓવર ફેંકવા આવ્યો અને બેથેલે પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. ઈંગ્લેન્ડ વાપસી માટે તૈયાર લાગતું હતું, પરંતુ હાર્દિકે ત્રીજા બોલ પર સેમ કરનને આઉટ કર્યો. ઈંગ્લેન્ડને હવે 9 બોલમાં 32 રનની જરૂર હતી.
હાર્દિકે આગામી 3 બોલમાં ફક્ત 2 રન આપ્યા, અને આ ઓવરમાં ફક્ત 9 રન જ મળ્યા. બુમરાહ અને હાર્દિકની 2 ઓવરમાં ફક્ત 15 રન સાથે ઈંગ્લેન્ડ મેચમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું. શિવમ દુબેએ બાકીનું કામ કર્યું, 20મી ઓવરના પહેલા જ બોલ પર જેકબ બેથેલને 105 રનમાં આઉટ કર્યો.
સેમસન-બુમરાહનું શાનદાર પ્રદર્શન
ભારતની બેટિંગમાં સંજુ સેમસને 89 રનની ઈનિંગ રમી, જ્યારે શિવમ દુબેએ 43 રન અને ઈશાન કિશને 39 રન રનનું યોગદાન આપ્યું. બંનેએ મળીને ભારતને કુલ 253 રનનો સ્કોર બનાવવામાં મદદ કરી. જસપ્રીત બુમરાહ સૌથી અસરકારક બોલર રહ્યો, તેને 4 ઓવરમાં માત્ર 33 રન આપીને 1 વિકેટ લીધી.
આ પણ વાંચો: NZ Vs SA: મિચેલના કેચ પર શરૂ થયો વિવાદ, એડન માર્કરામ ખરેખર આઉટ થયો? જુઓ VIDEO
