By Dharmesh Prajapati

અમેરિકાના રાજકારણ અને કાનૂની જગતમાંથી એક ખૂબ જ મોટો અને વિવાદાસ્પદ અહેવાલ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સાથીદારો અને કન્ઝર્વેટિવ વકીલોએ ટ્રમ્પ સમર્થકો, ખાસ કરીને ૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ યુએસ કેપિટલ (સંસદ ભવન) પર થયેલા હુમલામાં જેલ ભેગા થયેલા અને કાનૂની કાર્યવાહીનો સામનો કરનારા લોકોને કરોડો ડોલરનું વળતર આપવા માટે એક નવો અને ચોંકાવનારો કાનૂની રસ્તો શોધી કાઢ્યો છે.
અગાઉ ટ્રમ્પ સરકાર દ્વારા લાવવામાં આવેલું ૧.૮ બિલિયન ડોલર (આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા) નું વિવાદાસ્પદ ‘એન્ટી-વેપનાઇઝેશન ફંડ’ (Anti-Weaponization Fund) સંસદમાં ભારે વિરોધને કારણે રદ કરવું પડ્યું હતું. પરંતુ હવે ટ્રમ્પના સાથીઓ આ ભંડોળને બાયપાસ કરીને ૧૯૪૬ ના એક જૂના કાયદા ‘ફેડરલ ટોર્ટ ક્લેમ્સ એક્ટ’ (Federal Tort Claims Act – FTCA) નો ઉપયોગ કરીને સમર્થકોને સરકારી તિજોરીમાંથી નાણાં ચૂકવવાની તૈયારી કરી રહ્યા છે.
શું છે આ નવો કાનૂની પ્લાન અને ૧૯૪૬ નો કાયદો?
‘ફેડરલ ટોર્ટ ક્લેમ્સ એક્ટ’ (FTCA) એક એવો કાયદો છે જે અમેરિકાના સામાન્ય નાગરિકોને સરકાર સામે દાવો કરવાની મંજૂરી આપે છે. જો કોઈ નાગરિકને લાગે કે સરકારી એજન્સીઓ અથવા સત્તાવાળાઓએ તેની સાથે પૂર્વગ્રહ રાખીને ખોટું કર્યું છે, તો તે વળતર (Damages) માંગી શકે છે. આ કાયદાની સૌથી મોટી ખાસિયત એ છે કે સરકાર કોર્ટની બહાર જ (Out of Court Settlement) પરસ્પર સંમતિથી નાગરિકને કરોડો ડોલર ચૂકવીને કેસનો નિકાલ કરી શકે છે, જેમાં કોઈ જજની મંજૂરીની પણ જરૂર પડતી નથી.
ટ્રમ્પના વકીલો આ કાયદા હેઠળ સેંકડો કેસો દાખલ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે જો બાઇડનની પાછલી ડેમોક્રેટિક સરકારે રાજકીય દ્વેષ રાખીને કાયદા મંત્રાલય અને એફબીઆઈ (FBI) નો દુરુપયોગ (Weaponization) કર્યો હતો અને ટ્રમ્પ સમર્થકોને જાણીજોઈને જેલમાં ધકેલીને બરબાદ કર્યા હતા.
૪૦૦ થી વધુ હુમલાખોરોએ વળતર માટે દાવા ઠોક્યા
વકીલ પીટર ટિક્ટિને રોઇટર્સ (Reuters) ને જણાવ્યું કે તેમની લો ફર્મ હાલમાં ૬ જાન્યુઆરીના કેપિટલ હુમલામાં સામેલ ૪૦૦ થી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જેમણે સરકાર પાસે કરોડો ડોલરના વળતર (Restitution) ની માંગણી કરી છે. ટ્રમ્પના ખાસ સાથી માઇકલ કેપુટોએ પણ પાછલી બાઇડન સરકારની તપાસો સામે ૨.૭ મિલિયન ડોલરનું વળતર માંગ્યું છે.
નિષ્ણાતોના મતે, આ યોજના પર વર્ષ ૨૦૨૪ ના રિપબ્લિકન નેશનલ કન્વેન્શન દરમિયાન જ ગુપ્ત ચર્ચા થઈ ચૂકી હતી. ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ ફ્લિનને પણ આ જ કાયદા હેઠળ અગાઉ ૧.૨૫ મિલિયન ડોલરનું સરકારી વળતર મળી ચૂક્યું છે.
વિરોધીઓનો આક્રોશ: “સરકારી નાણાંનો દુરુપયોગ”
ટ્રમ્પના આ પ્લાન સામે અમેરિકામાં મોટો રાજકીય હોબાળો મચી ગયો છે. ડેમોક્રેટ્સ અને કાનૂની નિષ્ણાતો આ પગલાને ભારે પક્ષપાતી અને કાયદાની મજાક ગણાવી રહ્યા છે. સપ્ટેમ્બર ૧૧ (9/11) ના આતંકી હુમલાના પીડિતોના વળતર ફંડની દેખરેખ રાખનાર પૂર્વ સરકારી અધિકારી રૂપા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “આ કાયદાના આત્મા અને હેતુની ઘોર અવમાનના છે. જે લોકોએ સંસદ પર હુમલો કર્યો અને પોલીસ અધિકારીઓ પર લાઠીઓ ઉગામી, તેમને નિર્દોષ સાબિત કરીને ટેક્સપેયર્સ (કરદાતાઓ) ના નાણાં લુટાવવા એ કાનૂની વ્યવસ્થા માટે કલંક સમાન છે.”
જો કે, વ્હાઇટ હાઉસે હાલમાં આ બાબતે સત્તાવાર જાહેરાત કરવાનો ઇનકાર કર્યો છે અને તેને માત્ર ‘અટકળો’ ગણાવી છે, પરંતુ ટ્રમ્પના સાથીઓ કાયદા મંત્રાલય (DOJ) ના માધ્યમથી પડદા પાછળ આ પ્લાન પર ઝડપથી કામ કરી રહ્યા હોવાના પાકા સંકેતો મળી રહ્યા છે.
કનેક્ટ વિથ ધર્મેશ પ્રજાપતિ +91 7359585035 Call / WhatsApp
Website: ambeinfotech.com
Read more on newsforyou.live
