ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન દ્વારા અમેરિકી એરબેઝ અને ખાડી દેશોના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતા મિસાઈલ હુમલાઓને કારણે હવાઈ ક્ષેત્ર (Airspace) વારંવાર બંધ થઈ રહ્યું છે. આ અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિવિધ શહેરોમાં હજારો ભારતીય નાગરિકો ફસાઈ ગયા છે. આ મુસાફરોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે ભારતની અગ્રણી એરલાઇન સ્પાઇસજેટે (SpiceJet) કમર કસી છે.
ખાસ ફ્લાઇટ્સનું આયોજન અને રૂટ્સ
સ્પાઇસજેટે જાહેરાત કરી છે કે તેઓ આજથી જ UAE ના ફુજૈરાહ (Fujairah) થી ભારત માટે ચાર ખાસ ફ્લાઇટ્સ ચલાવશે. આ ફ્લાઇટ્સ ભારતના ત્રણ મુખ્ય શહેરોમાં લેન્ડ થશે
મુંબઈ: બે ખાસ ફ્લાઇટ્સ મુંબઈ પહોંચશે.
દિલ્હી: એક ફ્લાઇટ દિલ્હી માટે રવાના થશે.
કોચી: દક્ષિણ ભારતના મુસાફરો માટે એક ફ્લાઇટ કોચી જશે.
આ સિવાય, 4 માર્ચથી ફુજૈરાહ અને દિલ્હી તેમજ મુંબઈ વચ્ચેની નિયમિત ફ્લાઇટ્સ પણ ફરી શરૂ કરવામાં આવશે, જેથી કનેક્ટિવિટી સામાન્ય બની શકે. એરલાઇન સત્તાવાળાઓએ જણાવ્યું છે કે જો જરૂર પડશે અને મંજૂરી મળશે તો ભવિષ્યમાં વધુ ફ્લાઇટ્સનું આયોજન પણ કરવામાં આવશે.
સૌથી મોટી પ્રાથમિકતા એ ભારતીય નાગરિકોને મદદ કરવાની
સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે આ કપરી પરિસ્થિતિમાં માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “અત્યારે અમારી સૌથી મોટી પ્રાથમિકતા એ ભારતીય નાગરિકોને મદદ કરવાની છે જેઓ વિદેશમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. અમે ભારત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓના આભારી છીએ જેમણે આ ખાસ સેવાઓ માટે ઝડપી મંજૂરી આપી છે. સ્પાઇસજેટ હંમેશા મુશ્કેલીના સમયે દેશના લોકોની સેવા કરવા માટે તૈયાર છે.”
ભારત રહેતા પરિવારોને મળી રાહત
ઉલ્લેખનીય છે કે સ્પાઇસજેટ ભારતની સૌથી મોટી પ્રાદેશિક એરલાઇન્સમાંની એક છે. તેના કાફલામાં બોઇંગ 737 અને Q-400 જેવા આધુનિક વિમાનો છે. ‘ઉડાન’ યોજના હેઠળ પણ આ એરલાઇન દેશના ખૂણેખૂણે સેવા આપી રહી છે. ખાસ કરીને મુસાફરોની આરામદાયક મુસાફરી માટે તે ‘સ્પાઇસમેક્સ’ જેવી વિશેષ બેઠક વ્યવસ્થા માટે પણ જાણીતી છે. આ સંકટના સમયે સ્પાઇસજેટના આ પગલાથી માત્ર ફસાયેલા મુસાફરોને જ નહીં, પરંતુ ભારતમાં રહેલા તેમના પરિવારોને પણ મોટી રાહત મળી છે.
આ પણ વાંચોઃ Indonesia માં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
