
રોકાણકારોને ટૂંકા સમયમાં બમણી કમાણી અથવા ઊંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેતી પોન્ઝી સ્કીમનો વધુ એક ભયાનક કિસ્સો દક્ષિણ ગુજરાતના વાપીમાંથી પ્રકાશમાં આવ્યો છે. આ વખતે ઠગોએ કોઈ પરંપરાગત સ્કીમ નહીં, પરંતુ આધુનિક જમાનાની માયાજાળ એટલે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઓટોમેશન પ્લેટફોર્મ’ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને શિકાર બનાવ્યા છે. વાપીમાં ઓફિસ ખોલીને બેઠેલી ‘બોટબ્રો’ નામની કંપનીએ સ્થાનિક સ્તરે 28થી વધુ મધ્યમ અને ઉચ્ચ વર્ગના રોકાણકારોનો સંપર્ક કર્યો હતો.
દુબઈ ટૂર કરાવી કરોડોનું રોકાણ કરાવ્યું
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલી હાઈપ્રોફાઈલ હતી કે તેઓ સામાન્ય લોકોને વિશ્વાસમાં લેવા માટે મસમોટા સેમિનારો યોજતા હતા. કંપની દ્વારા વાપીના કેટલાક અગ્રણી રોકાણકારોને તમામ ખર્ચે અખાતી દેશ દુબઈ ખાતે યોજાયેલા ભવ્ય ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં પણ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઇન્ટરનેશનલ લેવલનું સેટઅપ બતાવીને ખાતરી અપાઈ હતી કે જો તેઓ કંપનીના AI પ્લેટફોર્મમાં પૈસા રોકશે, તો પ્લેટફોર્મ જાતે ટ્રેડિંગ કરીને દર મહિને 6 ટકા જેટલું માતબર વ્યાજ આપશે. આ આકર્ષક સ્કીમમાં ફસાઈને ૨૮થી વધુ લોકોએ હોંશે-હોંશે પોતાના જીવનમૂડીના કુલ 3.40 કરોડ આ કંપનીમાં લગાવી દીધા હતા.
ઓફિસ બંધ કરી રાતોરાત પલાયન
શરૂઆતના એક-બે મહિના સુધી રોકાણકારોને ઓનલાઈન વોલેટમાં ક્રેડિટ બતાવીને રાજી રાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક જ વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. રોકાણકારો જ્યારે વાપી સ્થિત ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસને તાળાં લટકતા હતા અને કંપનીના એજન્ટોના ફોન સ્વીચ ઓફ આવતા હતા. છેતરાયા હોવાની ગંભીરતા સમજાતા જ તમામ 28 રોકાણકારોએ વાપી પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ધા નાખી હતી. પોલીસે પ્રાથમિક તપાસના આધારે જાણ્યું કે આ કંપનીનો મુખ્ય સૂત્રધાર આખું નેટવર્ક દુબઈથી બેઠા-બેઠા ઓપરેટ કરતો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે કમિશન એજન્ટ તરીકે કામ કરતી એક મહિલા અને એક યુવકને દબોચી લીધા છે. જ્યારે અન્ય ૫ ફરાર આરોપીઓને પકડવા અને લુકઆઉટ નોટિસ જારી કરવા સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
