વિરમગામ શહેરના વોર્ડ નં. 8 માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રસ્તાના વિવાદનો અંત આવ્યો છે. ખેતર માલિકો દ્વારા તાર ફેન્સિંગ કરીને બંધ કરવામાં આવેલા રસ્તાને વહીવટી તંત્રએ પોલીસ કાફલા સાથે રાખીને ખુલ્લો કરાવ્યો છે, જેનાથી સેંકડો રહીશોને મોટી રાહત મળી છે.
ખેતર માલિકોએ તાર ફેન્સિંગ કરી રસ્તો રોક્યો હતો
વિરમગામના સર્વે નં. 498/1 અને 498/2 માંથી પસાર થતા કાચા રસ્તાનો ઉપયોગ સોમેશ્વર, સંજીવની અને અવની સોસાયટીના રહીશો અવરજવર માટે કરતા હતા. જોકે, ખેતર માલિકોએ આ જમીન પર પોતાનો હક જતાવતા ત્યાં તાર ફેન્સિંગ કરી દીધું હતું. રસ્તો બંધ થઈ જવાથી ત્રણેય સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે બિલ્ડર અને રહીશો દ્વારા મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી.
જમીન માલિકોએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો
રહીશોની મુશ્કેલીને ધ્યાને રાખીને મામલતદારે પંચનામું કરી દાવો દાખલ કર્યો હતો. જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રહીશોને હાલાકી ન પડે તે હેતુથી મામલતદારે વચગાળાનો હુકમ કરીને રસ્તો ખુલ્લો રાખવા આદેશ આપ્યો હતો. આ હુકમના અમલીકરણ માટે આજે નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. જોકે, જમીન માલિકોએ તંત્રની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવીને તાર ફેન્સિંગ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
