વિરમગામ નગરપાલિકામાં સત્તાધીશોના શાસનની અવધી પુર્ણ થઈ રહી છે. જેના બે દિવસ અગાઉ છેલ્લી સામાન્ય સભા સોમવારે સાંજે પાલિકાના સભાખંડમાં મળી હતી.સામાન્ય સભા શરૂ કરતાં પહેલા પાલિકામાં નવા રૂપરંગ અને એસી, એલઈડી ટીવી, સાઉન્ડ, બેઠક વ્યવસ્થા સહિતની અદ્યતન સાધનસામગ્રીથી સજ્જ કરાયેલા સભાખંડને ખુલ્લો મુકી લોકાર્પણ કરાયુ હતુ. સામાન્ય સભામાં વર્ષ 2026-27નું અંદાજિત વિકાસલક્ષી રૂ. 68.24 કરોડનું બજેટ સર્વાનુમત્તે મંજૂર કરાયુ હતુ. તારીખ 18-2-26ના રોજ પાલિકા કારોબારી સમિતીમાં બજેટ મંજુર કરી મળેલી સામાન્ય સભામાં રજુ કરી બહાલી આપવામાં આવી હતી. બજેટમાં રૂ. 16.68 કરોડ પુરાંત સાથે વર્ષ દરમ્યાન રૂ. 51.56 કરોડની આવક અંદાજવામાં આવી છે. રૂ. 53.88 કરોડના ખર્ચ અંદાજ સાથે અંતીત બાકી સિલક 14.36 કરોડ સાથે કુલ 68.24 કરોડનું બજેટ મંજુર કરાયું છે. સભામાં અન્ય મુદ્દામાં એક સમયે શહેરના ભરવાડી દરવાજા બહાર કેટલીક દુકાનો અને સરદારબાગ શોપિંગ સેન્ટર દુકાનોમાં દબાણ હટાવવા મુદ્દા પર અગાઉ થયેલી ચર્ચામાં નક્કી થયા મુજબ પાછળથી ખોટા ઠરાવમાં લખાણ લખવાના આક્ષેપો થયા હતા અને ચર્ચા ગરમાઈ હતી. સભાના અંતે સર્વે સભ્યોનો પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરાએ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
