પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આ વખતે બે તબક્કામાં કરવામાં આવશે. વર્ષ 2021માં રાજ્યમાં 8 તબક્કામાં મતદાન થયું હતું, આ વખતે મતદારો 23 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન કરશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ નિર્ણય ચૂંટણી પંચે ખુબ જ વિસ્તૃત ચર્ચા બાદ લીધો છે. જ્ઞાનેશકુમારે જણાવ્યું કે રાજ્યમાં તબક્કાની સંખ્યા ઘટાડવી જરૂરી હતી અને આ વખતે પંચે લાંબી ચર્ચા બાદ બે તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે.
2021માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થયું હતું
તેમને કહ્યું કે બે તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો, જેથી બધાને ફાયદો થાય. બે તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય 2021ની વિધાનસભા ચૂંટણી કરતા અલગ છે. 2021માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થયું હતું. નવો કાર્યક્રમ ચૂંટણી પ્રચારના સમયને ઓછો કરશે અને આગામી અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધવાની સંભાવના છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 23 એપ્રિલે પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે, બીજા તબક્કામાં 29 એપ્રિલે બાકી 142 વિધાનસભા સીટ માટે મતદાન કરવામાં આવશે.
30 માર્ચે પ્રથમ તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર થશે
પ્રથમ તબક્કા માટે માર્ગદર્શિકા 30 માર્ચે જાહેર થશે. ઉમેદવાર 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર દાખલ કરી શકશે. ઉમેદવારી પત્રની તપાસ 7 એપ્રિલે થશે અને નામ પરત લેવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. બીજા તબક્કા માટે માર્ગદર્શિકા 2 એપ્રિલે જાહેર કરાશે અને ઉમેદવારી પત્ર 9 એપ્રિલ સુધી દાખલ કરી શકાશે. 13 એપ્રિલ સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઈ શકશે. બંને તબક્કાનું મતદાન 23 અને 29 એપ્રિલે થશે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 5 રાજ્યની ચૂંટણીમાં લગભગ 17.4 કરોડ મતદાતા ભાગ લેશે. કૂલ 824 વિધાનસભા સીટમાં મતદાન થશે. તેના માટે લગભગ 2.19 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે અને લગભગ 25 લાખ ચૂંટણી અધિકારી અને કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળમાં લગભગ 6.44 કરોડ મતદારો મતદાન કરશે.
