- રેતીની ગેરકાયદે હેરફેર અને રોયલ્ટી ચોરી છતાં ભૂસ્તર વિભાગના આંખ આડા કાન
- રેતીખનનની પધ્ધતિનો ઉપયોગ હિન્દુસ્તાન પુલ પાસે થયેલો જણાતો હોય
- આ સ્થળેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચાઇ હોવાની શકયતા નકારી શકાતી નથી
ઉકાઇ ડેમ અને હિન્દુસ્તાન પુલ વચ્ચેના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાંથી અને તે પણ હિન્દુસ્તાન પુલથી 500 મીટરના અંતરમાં છેલ્લા 8-10 મહિના દરમિયાન ગેરકાયદે રેતીખનન જેવી પ્રવૃતિ થઇ હોવાની શકયતાથી હિન્દુસ્તાન પુલના સ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્ર મુજબ કોઈ પણ મોટા પુલથી 500 મીટરની અંદર રેતીખનન કરી શકાતુ નથી.તેમ છતાં છેલ્લા 8-10 મહિના દરમ્યાન તાપી નદી પરના હિન્દુસ્તાન પુલથી ઉકાઈડેમ તરફ બની રહેલા પાણી પુરવઠા વિભાગના એક પ્લેટફોર્મનો ઉપયોગ કરી હિન્દુસ્તાન પુલથી 500 મીટરના અંતરમાં મોટા પ્રમાણમાં રેતી ઉલેચાઇ હોવાની શકયતા છે.તાપી નદીમાં છેક નિઝરથી સુરત સુધીમાં જ્યાં જયાં સરકારે રેતીખનન માટે લીઝ કે પરમીટ મંજુર કરી છે.ત્યાં રેતી ઉલેચવા જે સાધનોનો ઉપયોગ થાય છે તે જ સાધનોનો ઉપયોગ હિન્દુસ્તાન પુલ પાસે પ્લેટફોર્મ નજીક થયો છે.જે પ્રમાણે અન્ય લીઝના સ્થળે નદીના પાણીમાંથી રેતી સકશન કરવા એન્જિન સાથેની હોડીનો ઉપયોગ થાય છે.અને હોડી દ્વારા સકશન થયેલી રેતી પાઇપ મારફતે નદી કિનારે કે પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે.તેવી જ રેતીખનનની પધ્ધતિનો ઉપયોગ હિન્દુસ્તાન પુલ પાસે થયેલો જણાતો હોય આ સ્થળેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચાઇ હોવાની શકયતા નકારી શકાતી નથી.સ્થાનિક લોકો દ્વારા પણ હિન્દુસ્તાન પુલ નજીકથી ગેરકાયદે રેતીખનનની ફરિયાદો ઉઠી હતી.ત્યારે જો આ સ્થળેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવી હોય તો હિંન્દુસ્તાન પુલના સ્ટ્રક્ચર અને પિલરને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
વળી જે સ્થળે મોટા પાયે રેતીખનનની ચર્ચા છે.ત્યાં સરકારે રેતીખનન માટે કોઇ લીઝ કે કે પરમીટ આપી નથી.તેમજ આ સ્થળેથી ઉલેચાયેલી રેતીનો ઉપયોગ પ્લેટફોર્મમાં પુરાણ કરવાની સાથે પ્લેટફોર્મ પર થઇ રહેલા બાંધકામમાં તેમજ રેતીને અન્ય સ્થળે વેચાણ માટે લઇ જવાઇ હોવાની શક્યતાથી ગેરકાયદે રેતીખનનની સાથે ખનીજની ગેરકાયદે હેરફેર અને રોયલ્ટી ચોરીનો મામલો બનતો હોય ભુસ્તર વિભાગે તપાસ કરવાની થાય છે.ઘણા લાંબા સમયથી હિન્દુસ્તાન પુલ નજીક બની રહેલા પ્લેટફોર્મ પાસે ગેરકાયદે રેતીખનનની ફરીયાદો ઉઠતી રહી હોવા છતા તાપીનું ભુસ્તર વિભાગ આ મામલે કોઇ ફોડ પાડતુ નથી.
નદીમાંથી ઘણી જગ્યાએથી પાણી લિફ્ટ કરી શકાય તેમ હોવા છતાં ડેમ નજીક જ પ્રોજેક્ટ હાથ ધરાતા આૃર્ય
ઉકાઈ ડેમના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગે પ્લેટફોર્મ બનાવી સંભવતઃ ઇન્ટેક વેલ,પંપીગ સ્ટેશન સહિતનો પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કર્યું છે.આ પ્રોજેકટનો મુળ હેતુ નદીમાંથી પાણી લીફટ કરવાનો જણાય છે.નદી (કાકરાપાર જળાશય)માં ઘણા સ્થળેથી પાણી લીફટ કરી શકાય તેમ છે.તેવા વિસ્તારો છોડી ડેમ માટે જોખમ ઉભુ થાય તે સ્થળે પ્રોજેકટની પસંદગી કેમ કરાઇ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.અત્રે નોંધનીય છે કે ઉકાઇ ડેમથી હિન્દુસ્તાન પુલ વચ્ચેના વિસ્તારમાં કોઈ ગતિવિધિ ડેમની સુરક્ષા માટે જોખમી છે.
