
Ahmedabad News: અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં પેઢીઓથી રોજગારી મેળવતા પથારાવાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે છેલ્લા એક દાયકાથી હકની લડાઈ ચાલી રહી છે. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ કાર્ય વખતે શરૂ થયેલો આ વિવાદ અત્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ માટે ‘સેવા’ જેવી સંસ્થાઓ શ્રમિકોના પક્ષે કાયદાકીય લડત લડી રહી છે. ફેરિયા સુરક્ષા કાયદા હેઠળ સેંકડો વેપારીઓને લાયસન્સ મળ્યા હોવા છતાં, ટ્રાફિક અને દબાણના નામે તેમને વારંવાર હટાવવામાં આવે છે. તાજેતરમાં કોર્પોરેશને હાઈકોર્ટના આદેશ છતાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે વેપારીઓને પાનકોર નાકાના સૂમસામ પ્લોટમાં ધકેલી દીધા છે. આ નિર્ણયને કારણે કાયદેસરના વેન્ડિંગ કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
