- ખાંટિયાવાંટ ખાતે બાઇક અકસ્માતમાં મોત થતા પરિવાર અટવાયો
- તાલુકામાં ખોટકાઇ ગયેલી આરોગ્ય વ્યવસ્થાથી લોકોમાં ભારે નારાજગી
- રાત્રીના એક વાગ્યાથી તેઓના સગા-સંબંધી ત્યાં બેસી રહ્યાં હતા
કવાંટના ખાંટિયાવાંટ ખાતે અકસ્માતમા ધનપુરના ચંદ્રકાન્ત છત્રસિંહ કોલચાનું મોત થયું હતું. જેઓને ક્વાંટ સામૂહિક કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે રાત્રે એક વાગ્યાની આસપાસ લવાયા હતા. જે માટે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવા છતા બીજા દિવસે પણ કલાકો સુધી પીએમ ન કરાતા મૃતકના સંબંધીઓ રોષે ભરાયા હતા.
કવાંટ તાલુકાના ખાંટિયાવાંટ જલારામ મંદિર પાસે ધનપુર ગામના ચંદ્રકાન્ત છત્રસિંહ કોલચા બાઇક પર તેઓ આવતા હતા. ત્યારે બીજા બાઇક સવારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ 108ને ફોન કરતા 40થી 45 મિનિટ બાદ 108 એમ્બ્યુલન્સ આવી જેમા તેને બોડેલી લઈ જવાયો હતો. ત્યાં તેને મૃત જાહેર કરતા તેઓના મૃતદેહને કવાંટ સામુહિક કેન્દ્ર ખાતે PM માટે રાત્રે 1 વાગ્યાની આસપાસ લવાયા હતા. રાત્રીના એક વાગ્યાથી તેઓના સગા-સંબંધી ત્યાં બેસી રહ્યાં હતા. સવારે PM માટે 9:30 વાગ્યાની આસપાસ તાલુકા હેલ્થ ઓફ્સિરને ફોન કરીને કહ્યું કે, ખાંટિયાવાંટ PHCના મેડિકલ ઓફ્સિરને PM માટે મોકલો છતાં 11:30 કલાક સુધી પોલીસ અને મામલતદાર આવ્યા છતાં ડોક્ટર પહોંચ્યા ન હતા.
તેથી સંબંધીઓમાં કચવાટ સાંભળવા મળ્યો કે, જો PM માટે ડોક્ટરને સવારથી જ THOએ કહ્યું છે. અને તેઓ નસવાડી તાલુકાના બોરીયાદથી આવ્યા છે. તો શું આજે તેઓને PHC ખાતે ઓ પી ડી ચલાવવાની ન હતી ? તેવા સવાલ ઊભા થયા હતા.
સરકારી હૉસ્પિટલો શોભાના ગાંઠિયા સમાન
108 એમ્બ્યુલન્સ ને ફોન કર્યા બાદ 40થી 45 મિનિટે આવી હતી. અને 108 એમ્બ્યુલન્સ બોડેલી ખાતે આવેલ સંગમ હોસ્પિટલમા લઈ જવામા આવે છે. તો શું સરકાર દ્વારા બનાવવામા આવેલ હોસ્પિટલો શોભાના ગાંઠિયા છે. તેવો સવાલ કર્યો હતો. – જશવંત ભાઈ રાઠવા, ગામ-સાલોજ, તા પાવી જેતપુર ક્વાંટ તાલુકામાં અધિકારીઓ હેડ ક્વાર્ટર્સ પર હાજર રહેત નથી । કવાંટ તાલુકામા જવાબદાર અધિકારીઓ હેડ ક્વાર્ટર ઉપર રહેતા નથી. જેથી અમારા આદિવાસી ભાઈઓ બહેનોને ભારે હાલાકી વેઠવી પડે છે. માણસના મોતનો પણ મલાજો જળવાતો નથી. આજે ધનપુરના યુવાનનું મૃત્યુ થયું તે સમયે PM માટે અખાડા કરતા આરોગ્ય વિભાગના અધિકારી જોવા મળ્યા ન હતા. છેલ્લા કેટલાય સમયથી તાલુકામા આરોગ્યની સેવાઓ ખોટકાઇ ગઇ છે. આદિવાસી સમાજ સહનશક્તિવાળો છે. પણ તેની પણ વધુ કસોટી લેવાશે તો પછીના પરિણામો તો વિચારવા જ રહ્યાં.
