ખાંભાના બોરાળાની શાળામાં આચાર્યની બદલી માટે તાળાબંધી:આચાર્ય ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને બહાર બેસાડી અભ્યાસ કરાવાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમરેલીના ખાંભા તાલુકાના બોરાળા ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની બદલીની માંગ સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને શાળાની બહાર ખુલ્લામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. બોરાળા પ્રાથમિક શાળાના આચાર્ય સરોજબેન ગોધાણી સામે ગ્રામજનો અને વાલીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી તાલુકા અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ અને SMC કમિટીના સભ્યો સાથે ગેરવર્તન, અહંકારી સ્વભાવ, શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરી સોંપી શિક્ષણકાર્યમાં અવરોધ, અને વિદ્યાર્થીઓને હેરાન કરવા જેવી બાબતોનો ઉલ્લેખ હતો. આ રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું ન હતું. આજે સવારે મામલો વધુ ગરમાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી. આચાર્યની બદલી અને સ્ટાફ ઘટની માંગ સાથે થયેલા આ વિરોધને પગલે તાલુકા શિક્ષણ અધિકારી, સ્થાનિક આગેવાનો અને SMC કમિટીના સભ્યો શાળાએ દોડી આવ્યા હતા. તેમણે સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ગ્રામજનો આચાર્યની તાત્કાલિક બદલી કરવા પર અડગ રહ્યા હતા. બોરાળા ગામના મનસુખ કવાડે જણાવ્યું હતું કે, “આચાર્ય સરોજબેન ગોધાણી શાળામાં અમારી સાથે ગેરવર્તન કરે છે, જેથી અમે તેમની બદલીની માંગ સાથે તાળાબંધી કરી છે. અમે આ મામલે યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરીએ છીએ.” આક્ષેપો અંગે બોરાળા પ્રાથમિક શાળાના આચાર્ય સરોજબેન ગોધાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, “આજે અમારી શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી. સ્ટાફ અને ગ્રામજનોને મારા વર્તન સામે વાંધો હતો. ટીપીઓ સહિતના અધિકારીઓ આજે આવ્યા હતા અને મને હનુમાન શાળામાં કામગીરી માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. અહીં અન્ય એક વરિષ્ઠ શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.”


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *