'ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો':ભાવનગરમાં પત્ની, પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારી દાટી દેનાર ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ યોજાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતમાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરત રબારી સમાજે કેન્ડલ માર્ચ કાઢી
ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો કેન્ડલ માર્ચમાં જોડાયા
ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે, ત્યારે ન્યાયની માગ સાથે સુરત રબારી સમાજ એક જૂથ થયો હતો. સુરતમાં કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડી ખાતે ગુમાવેલા ત્રણ નિર્દોષ જીવોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાપોદ્રા વડવાળા સોસાયટીની વાડીથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. સૌએ હાથમાં સળગતી મીણબત્તીઓ લઇને મૌન રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જે લોકો પાસે કેન્ડલ ન હતી તેઓએ પોતાના મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરી જોડાયા હતા. ઝડપી અને કડક કાર્યવાહી કરવા અપીલ
સમાજના લોકો દ્વારા માગ કરવામાં આવી હતી કે, આ પ્રકારના જઘન્ય કૃત્યો સમાજમાં કોઈ અન્ય વ્યક્તિ ન કરે તે માટે આરોપીને દાખલારૂપ સજા થવી જોઈએ. સમાજ તરીકે અમે મૃતકોના પરિવારની સાથે છીએ અને સરકાર પાસે અમારી એક જ માગ છે કે આરોપીને વહેલી તકે ફાંસીની સજા થાય. આ કેન્ડલ માર્ચ થકી સુરત રબારી સમાજે મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી અને રાજ્ય સરકાર તથા ન્યાયતંત્રને આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. ઘટના શું હતી?
ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા. શૈલેષે આ હત્યા ઘરકંકાસમાં કરી હતી. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદેહ મળ્યા હતા. આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *