ખેડૂતોને 2 કરોડની સહાય કરનાર ઉદ્યોગપતિઓનું સન્માન:અમરેલીમાં ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો, ખેડૂતોએ કહ્યું- 'અત્યાર સુધી કોઈએ ન કરી હોય તેવી મદદ'

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લામાં સમાજસેવા અને વતનપ્રેમનો અનોખો દાખલો જોવા મળ્યો છે. જીરા ગામના બે અગ્રણી ઉદ્યોગપતિઓએ માવઠાથી પ્રભાવિત ખેડૂતોને આશરે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી હતી. આ ઉમદા કાર્ય બદલ અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભમાં, જીરા ગામના બાબુભાઈ ચોડવડિયા (જીરાવાળા) દ્વારા તેમના ગામની સમગ્ર મંડળીનું બાકી રહેલું દેવું ચૂકવી દેવાની માનવતાભરી પહેલની નોંધ લેવામાં આવી હતી. તેમની આ નિસ્વાર્થ સેવાએ ગામમાં નવી આશા જગાવી છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, શેમરાણા અને શેખડાવદર જેવા ચાર ગામોના ખેડૂતોને પણ મદદ કરવામાં આવી હતી. દિનેશભાઈ કુંભાણીએ આ ચાર ગામો અને તેમના પોતાના ગામ સહિત કુલ પાંચ ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય, કોઈપણ હેક્ટર મર્યાદા વિના, આપી હતી. આ કુલ સહાય આશરે બે કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ “ઋણસ્વીકાર કાર્યક્રમ” અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ, સમાજસેવકો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત અગ્રણી પ્રફુલભાઈ સેંજલિયાએ જણાવ્યું હતું કે, “બાબુભાઈ જીરાવાળા અને દિનેશભાઈ કુંભાણી ખેડૂતોના સાચા દાતા છે. તેમણે ખેડૂતોને કપરા સમયમાં મદદ કરી છે. બાબુભાઈએ પોતાના જીરા ગામનું સમગ્ર દેવું ભર્યું છે, જ્યારે દિનેશભાઈએ પાંચ ગામના ખેડૂતોને મદદ કરી છે.” અન્ય એક ખેડૂત મનસુખભાઈ ક્યાડાએ કહ્યું કે, “આજે કિસાન પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાબુભાઈ જીરાવાળાએ પોતાના ગામના ખેડૂતોની મંડળીનું દેવું ચૂકવી દીધું છે. દિનેશભાઈએ તેમના ગામ અને આસપાસના ચાર ગામોમાં હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપ્યા છે, જે કોઈ મર્યાદા વગરની મદદ છે. આવા દાતાઓએ ખેડૂતોને અત્યાર સુધી કોઈએ ન કરી હોય તેવી મદદ કરી છે.”


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *