ગઢડા શહેરના હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા અને સામાકાંઠા સુધીનો મુખ્ય માર્ગ ફરી ખખડધજ બન્યો છે. કમોસમી વરસાદ બાદ આ ધોરીમાર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પર પણ તિરાડો પડી છે અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ હોવાથી અહીં વાહનો અને યાત્રાળુઓની સતત અવરજવર રહે છે. રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓ અને સ્થાનિકો પણ પરેશાન છે. અગાઉ તંત્ર દ્વારા આ ખાડાઓને માટીકામ કરીને પૂરવામાં આવ્યા હતા. જોકે, કમોસમી વરસાદના કારણે આ કામગીરી ધોવાઈ ગઈ છે અને રસ્તો ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. ગઢડાથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો આ ધોરીમાર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. ગઢડામાં પ્રવેશવા માટે હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે, જે માર્ગ હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર અને બે મુખ્ય સ્વામિનારાયણ મંદિરોને કારણે યાત્રાળુઓની ભીડને જોતાં, આ ખખડધજ રસ્તો ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને લોકોની પ્રબળ માંગ છે.
ગઢડાનો મુખ્ય માર્ગ ખખડધજ બન્યો:કમોસમી વરસાદથી ધોવાયો, વાહનચાલકોને અકસ્માતનો ભય
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
