ગુજરાત મોડલ આવુ હોય? રોડ બન્યો બીજે દિવસે જ તુટવા માંડ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • સાબરકાંઠા જીલ્લામાં રોડ કોન્ટ્રાકટરો રોડ બનાવી માલામાલ થયા
  • રોડનું હિંમતનગરના ધારાસભ્ય દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું
  • હલકું મટીરીયલ વાપરી સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો

 સાબરકાંઠા જીલ્લામાં રોડ કોન્ટ્રાકટરો રોડ બનાવવામાં હલકું મટીરીયલ વાપરી સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે. જેમાં હિંમતનગરમાં એક રોડ બન્યો એના બીજે દિવસે જ તુટવા માંડ્યો છે. ત્યારે ગામ લોકોએ પણ હવે આ રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આજ રોડનું હિંમતનગરના ધારાસભ્ય દ્વારા ગઈકાલે ઉદ્ઘાટન કરાયું હતું અને તેમણે આ ભ્રષ્ટાચાર જોવા છતાં અજાણ રહ્યાં હતા.

સાબરકાંઠા જીલ્લામાં રોડ કોન્ટ્રાકટરો રોડ બનાવી માલામાલ થયા
સાબરકાંઠા જીલ્લામાં બની રહેલા નવા રોડ માત્રને માત્ર સરકારી ગ્રાન્ટો વાપરવા અને કોન્ટ્રાકટરોના ખિસ્સા ભરવા માટે જ બનતા હોય તે રીતે બની રહ્યા છે. તમે આ જોઈ રહ્યા છો એ રોડ હિંમતનગર તાલુકાના આડા હાથરોલથી રાજેન્દ્રનગરને જોડતો રોડ છે. રોડ બન્યે માત્ર એક જ દિવસ થયો છે. અને આ રોડ તેમાં વપરાયેલા બોગ્ગસ મટીરીયલની ચાડી ખાઈ રહ્યો છે. તથા પગ મુકો અને રોડ તૂટે. કારની બ્રેક મારો તો ડામર વખુટે. અને જો આ રોડ પર બાઈક સ્ટેન્ડ કરો તો બાઈકનું સ્ટેન્ડ સીધું રોડનું સોંસરવું ઉતારી જાય છે.

રોડનું હિંમતનગરના ધારાસભ્ય દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું

જેમાં આડા હાથરોલ ગામના લોકો રોડ સારો બનાવવા માટે બુમો પાડતા રહ્યાં હતા. તેમાં ધારાસભ્ય પણ રોડની રીબિન કાપવા માટે જાણે તલપાપડ હોય તેમ રીબિન કાપી ઉદ્ઘાટન કરવા ગઈકાલે પહોંચી ગયા હતા. તેમણે પૂછતાં તેમણે જણાવ્યું કે તેમને આ અંગે થોડું ધ્યાનમાં આવ્યું છે અને તેવો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. પણ લોકો પણ આ સાંભળી કહી રહ્યા છે. સાહેબ ધ્યાનમાં હતુ તો પછી રીબિન કાપવાની શું ઉતાવળ હતી. લાગતા વળગતા અધિકારીઓને અને કન્સ્ટ્રક્શન કંપનીના લોકોને જાહેરમાં આ ભ્રષ્ટાચાર અંગે માહિતગાર કરી કાર્યવાહી કરવાની જરૂર હતી. પણ ના સાહેબને રીબિન કાપવાની ઉતાવળ હતી એટલે રીબિન કપાઈ ગઈ. હવે સાહેબ ઉચ્ચ કક્ષાએ કેવી રજૂઆત કરે તેની લોકો પણ કાગડોળે રાહ જોઈ બેઠા છે. પણ હાલ ગંગારામ કન્સ્ટ્રકશન એજન્સી રોડનું કામ પુરુ કરી જતી પણ રહી છે.

જીલ્લા પંચાયત દ્વારા કરોડોના ખર્ચે મંજુર કરાયેલો આ રોડ ખાયકીનો રોડ બની ગયો છે. અને તેના મટીરીયલ્સ બાબતે જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ખડા કરી રહ્યો છે.

– શું આ રોડની થીક્નેસ ટેન્ડર મુજબ થઇ છે…?
– રોડનાં કામમાં ડામર એસ્ટીમેટ પ્રમાણે નાખવામાં આવ્યો છે…?.
– રોડના મટીરીયલ્સનું ટેસ્ટીંગ સાચી રીતે કરવામાં આવ્યું છે…??
– જવાબદાર અધિકારીઓએ રોડની મુલાકાત લીધી છે,..??

સવાલો અનેક છે. ત્યારે હવે જીલ્લા પંચાયતના એ.સી.ઓફિસોમાં બેસી રહેતા અધિકારીઓએ બહાર નીકળીને સરકારી તિજોરીઓને ચૂનો લગાવતા આવા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાની જરૂર છે. ત્યારે મંત્રી પુર્ણેશ મોદી આવા બોગ્ગસ કામ કરનારી કંપનીઓનાં કાન આંબળી હવે કાર્યવાહી કરે છે કે નહિ તે જોવું રહ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *