વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા તાલીમ ભવન ખાતે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિયાનના પોતાની જૂની યાદોને વાગોળી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ ગયા હતા. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા 10થી 15 નવેમ્બર દરમિયાન પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન 10 ટીમો વડોદરા જિલ્લામાં પણ પદયાત્રા માટે આવી હતી. તેઓએ વડોદરા જિલ્લાની 136 જેટલી શાળાઓમાં જઇને સ્વાવલંબન અને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો હતો. આ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પણ યોજાયું હતું. આ સંમેલનમાં વર્ષ-1976થી લઇને વર્ષ-2024 સુધી અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પદયાત્રાના સંયોજક ડો. શેતલ બરોડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આગામી 6 અને 7 ડિસેમ્બર-2025 દરમિયાન યોજાનાર ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશનમાં હાજરી આપવા માટે પણ પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન:વડોદરા જિલ્લા તાલીમ ભવનમાં ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું, જૂની યાદોને તાજી કરીને વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ ગયા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
