ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 9 જેટલા નિર્દોષ નાગરિકોને શ્વાને બચકાં ભર્યા હતા, જેના કારણે પ્રજાજનોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા શહેરના લીલેસરા, મકાનકૂવા અને પાવર હાઉસ પાસે આવેલા વાલ્મીકિ વાસ વિસ્તારમાં હડકાયા શ્વાને તરખાટ મચાવ્યો હતો. દિવસ દરમિયાન અલગ-અલગ સમયે આ ઘટનાઓ બની હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પાવર હાઉસ સ્થિત વાલ્મીકિ વાસમાં પરિસ્થિતિ સૌથી ગંભીર બની હતી, જ્યાં હડકાયા શ્વાને માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ 4 થી 5 લોકોને બચકાં ભરી લીધા હતા. એક રિક્ષાચાલક પોતાની રિક્ષામાં બેઠો હતો ત્યારે અચાનક આવેલા શ્વાને તેના હાથની આંગળી પર બચકું ભરી આંગળી ખેંચી નાખતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. શ્વાનના વધતા જતા આતંકને કારણે સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા હતા. વાલ્મીકિ વાસના લોકોએ સ્વબચાવ માટે અને શ્વાન અન્ય કોઈ બાળક કે વૃદ્ધને ન કરડે તે માટે સાવચેતીના ભાગરૂપે હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ઊભા રહી ચોકી પહેરો ભરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તાત્કાલિક ધોરણે આવા હડકાયા શ્વાનોને પકડીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગોધરામાં હડકાયા શ્વાને 9 લોકોને બચકાં ભર્યા:20 મિનિટમાં 4-5 લોકોને કરડ્યું, લોકોમાં ભયનો માહોલ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
