- માણાવદરના પાજોદ પે-સેન્ટર શાળાની ઘટના વાયરલ
- શૌચાલય સાફ કરવામાં દરેક વિદ્યાર્થીઓના વારા રખાયા છે
- 1800 રૂપિયામાં સફાઈ કરવા માટે કોઈ તૈયાર નથી
માણાવદરનાં પાજોદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે શાળાની સાફ-સફાઈ કરાવતાં હોય તેવી ઘટનાં સામે આવી છે. વિદ્યાર્થીઓ સાવરણા લઈ અને શાળાનું મેદાન સાફ કરતાં હોય તેવા વિડીયો વાઈરલ થતાં સમગ્ર ઘટનાં સામે આવી છે. શાળામાં સફાઈ કર્મચારીઓ ન હોય અને સરકાર દ્વારા ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા હોવાનું સામે આવ્યું છે.

સરકાર એક તરફ ભણતર માટે શિક્ષણ પર ભાર મૂકી ભારતનું ભવિષ્ય ઉજળું બનાવવા પ્રયત્ન કરી રહી છે. અને જેના માટે શિક્ષણમાં નવિનીકરણ તેમજ વિવિધ પ્રકારની યોજના લાગુ કરી રહી છે. પરંતુ પાજોદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે સફાઈ થતી હોય તેવા સમયે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ તસવીરો કેદ કરી હતી. અને આ સમયે પાજોદ સ્કૂલના સફાઈ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ સફાઈ અમે રોજ કરીએ છીએ અને શૌચાલય પણ અમે દરરોજ સાફ કરીએ છીએ. શૌયાલય માટે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના વારા રાખવામાં આવ્યા છે. જેમાં ક્યારેક આચાર્ય પણ જોડાય છે.

શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરાવવાનાં બદલે તેનાં આ સમય દરમ્યાન ભણતર પર ભાર મૂકી હાથમાંથી સાવરણાને બદલે પેન અને બૂક આપવી જોઈએ નહિં કે સાવરણો આપવો. આમ ક્યાંકને ક્યાક બાળકોનાં ભણતર સાથે ચેડા થતાં હોય તેવું લાગી રહ્યું છે.
1800 રૂપિયામાં સફાઈ કરવા માટે કોઈ તૈયાર નથી
માણાવદરના ટીપીઓ મયુર કનેરિયાએ આ બાબતે જણાવ્યું હતું, કે સરકાર દ્વારા માત્ર 1800 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેની સામે આટલા ઓછાં રૂપિયામાં કોઈ સફાઈ કર્મી કામ કરવા માટે તૈયાર થતું નથી. જેનાં કારણે બાળકો અને શિક્ષકો શાળાની સાફ-સફાઈ કરવા માટે મજબૂર બન્યાં છે. જ્યારે આ વિડીયો બાબતે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
