Flight Cancellation: જો તમે ફ્લાઇટના થોડા કલાકો પહેલાં ટિકિટ કેન્સલ કરો છો અને સમગ્ર ભાડું ગુમાવવાનો ડર સતાવે છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મુસાફરોને મોટી રાહત આપવા માટે ભારત સરકાર આગામી બેથી ત્રણ મહિનામાં એર ટિકિટમાં ‘બિલ્ટ-ઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ’નો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. આ યોજના લાગુ થતાં મુસાફરો અચાનક ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં તેમના ભાડાના 80% સુધીનું રિફંડ મેળવી શકશે.
પ્રીમિયમનો બોજ મુસાફરો પર નહીં, એરલાઇન્સ ઉઠાવશે
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ વીમા યોજના માટેનું પ્રીમિયમ મુસાફરો પાસેથી લેવામાં આવશે નહીં, પરંતુ તે એરલાઇન્સ દ્વારા ઉઠાવવામાં આવશે. હાલમાં, ફ્લાઇટના ત્રણ કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવાને ‘નો-શો’ ગણવામાં આવે છે અને કોઈ રિફંડ આપવામાં આવતું નથી.
