જામનગરમાં 'યુનિટી માર્ચ'નું આયોજન:યાત્રામાં હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા, વાતાવરણ દેશભક્તિમય બન્યું, ગરબાઓ અને રાસ રજુ કરાયા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને આ માર્ચ યોજાઈ હતી. ધુતારપરથી ધૂડશીયા ગામ સુધી યોજાયેલી આ પગપાળા યાત્રામાં સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. તેમને ભારત અને દુનિયાભરમાં ‘સરદાર’ અને તેમના દૃઢ મનોબળને કારણે ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા હતા. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એકજુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે તે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. આજુબાજુમાં પણ અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે, જે જોવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. યુનિટી માર્ચમાં સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે આપણને ‘એક ભારત, અખંડ ભારત’ની અમૂલ્ય ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે વિકસિત ભારતના નિર્માણમાં સૌ એકતા દાખવી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવે. આજની યુવા પેઢીએ સરદાર પટેલના કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. સાંસદે સરદાર પટેલના આદર્શોને જનજન સુધી પહોંચાડવા અને વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા પણ અપીલ કરી હતી. યુનિટી માર્ચ દરમિયાન ધુતારપર, ધૂડશિયા તથા આજુબાજુના ગામના લોકો પદયાત્રામાં સહભાગી થયા હતા. યાત્રા દરમિયાન મહાનુભાવોએ સરદાર પટેલ તથા બી.આર.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સરદાર પટેલના જીવન પર આધારિત ગીતોના પરિણામે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. એકતા યાત્રામાં પોસ્ટર તેમજ તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ રાસમંડળીઓ દ્વારા ગરબાઓ અને રાસ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વિભાગના સ્ટોલનું પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા સ્ટોલ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજી પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અગ્રણી ડો.વિનોદ ભંડેરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભરત બોરસદીયા, એપીએમસી ચેરમેન મુકુંદ સભાયા, એપીએમસી ડાયરેક્ટર પદુભા જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, અભિષેક પટવા, કાનજી પરમાર, સરપંચો, આગેવાનો, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા હરીદેવ ગઢવી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *