જામનગરમાં 21 નવેમ્બરે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલ:ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું પરીક્ષણ, NDMA અધિકારીઓએ સમીક્ષા કરી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

જામનગરમાં 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA), ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે યોજાશે. વર્ષ 2019 પછી જામનગરમાં આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ યોજાઈ રહી છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું પરીક્ષણ કરવાનો છે. રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ મોકડ્રિલ યોજવામાં આવશે. મોકડ્રિલના આયોજન માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDMA દિલ્હીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, સેનાના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે આ મોકડ્રિલ વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરશે. NDMAના અધિકારી આદિત્યકુમાર અને તેમની ટીમ જામનગર પહોંચી સમગ્ર ડ્રિલનું સંકલન અને સંચાલન કરી રહી છે. આ ડ્રિલમાં કેન્દ્ર અને ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાંખ અને કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાશે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલના આયોજન સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કલેક્ટર કેતન ઠક્કરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના હિત માટે કોઈપણ ડિઝાસ્ટરનો સામનો કરવા સક્ષમ અને કટિબદ્ધ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *