- રૂ.10ના બદલે રૂ.50 કપાવવા લાગતા વાહનચાલકોમાં વ્યાપક રોષ
- લોકલ હોય તેઓએ વાહનની રજીસ્ટ્રેશન બુક અને આધારકાર્ડ જમા કરાવવા જરૂરી
- પાંચ રૂપિયા લોકલ ચાર્જ વસુલવાની નિર્ણય લેવાયો હતો
જેતપુરના પીઠડીયા પાસે આવેલ ટોલ પ્લાઝામાં લોકલ વાહનોના ફસ્ટેગમાંથી દસને બદલે પિસ્તાલીસ રૂપિયા જેટલી રકમ કપાઈ જતા લોકલ વાહન ચાલકોમાં ઉહાપોહ મચી ગયો છે. વાહન ચાલકો આ બાબતની દલીલ કરવા જાય તો ટોલ પ્લાઝાના સંચાલકો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ થયા છે જેથી ટોલ પ્લાઝામાં લોકલ વાહન ચાલકો પાસેથી લોકલ ચાર્જ વસુલવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પીઠડીયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા વર્ષ 2007-08માં જ્યારે બનતું હતું ત્યારે જ જેતપુરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો. જે વિરોધના પગલે તત્કાલીન સમયે જેતપુર ચેમ્બર્સ ઓફ્ કોમર્સ તેમજ તત્કાલીન ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ ટોલ પ્લાઝા અધિકારીઓ સાથે વાટાઘાટો કરી જેતપુર તેમજ તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણી તેઓ પાસેથી કાયમી પાંચ રૂપિયા લોકલ ચાર્જ વસુલવાની નિર્ણય લેવાયો હતો. અને આ વાટાઘાટો ચેમ્બર્સ દ્વારા તમામ લોકોને મૌખિક જણાવેલ.
ત્યારબાદ ટોલ પ્લાઝા અમલમાં આવ્યું અને તેના સંચાલકો સમાધાનની ફેર્મ્યુલા પર અટલ ન રહ્યા અને પાંચ રૂપિયા લોકલ ચાર્જથી ધીમેધીમે ભાવ વધારો કરતા દસ રૂપિયા કરી નાખ્યો. અને ફસ્ટેગ આવતા પીઠડીયા ટોલ પ્લાઝાના સંચાલકોએ કરેલ નીયમ મુજબ લોકલ વાહન ચાલકો ત્યાં ટોલ પ્લાઝા પર વાહનની આરસી બુક જેમાં લોકલ સરનામું હોય તે આધાર કાર્ડ જમા કરાવતા તેના ફસ્ટેગ એકાઉન્ટમાંથી દસ રૂપિયા કપાવવા લાગ્યાં. તેમાં થોડા મહિનાથી લોકલ વાહન ચાલકોના ફસ્ટેગમાંથી પણ પિસ્તાલીસ રૂપિયા કપાવવા લાગ્યાં છે. આ અંગે ટોલ પ્લાઝાના મેનેજરે જણાવેલ કે, ટોલ પ્લાઝાના કોન્ટ્રાકટ બદલ્યો છે જુના કોન્ટ્રાકટમાં લોકલ વાહન ન હોય તે પણ લોકલનો ખોટો લાભ લેતા હતા જેથી હવે જે વાહનો લોકલ હોય તેઓ ફરીથી પોતાના વાહનની લોકલ સરનામું ધરાવતી આરસી બુક અને આધારકાર્ડ જમા કરાવી જાય એટલે તેના એકાઉન્ટમાંથી લોકલ વાહનનો ચાર્જ કપાતો થઈ જશે.
