દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના:મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારૂ કામ કરૂં તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારૂ અપમાન કરશો નહીં :

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ મનપાનાં આવાસ વિભાગમાં પોસ્ટર લાગ્યા રાજકોટ સહિત દેશની તમામ સરકારી કચેરીઓમાં લાંચ લેવાતી હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખામાં BSFમાંથી આવેલા એક અધિકારીએ લાંચ-રૂશ્વતનો વિરોધ કરવા અનોખો પ્રયાસે કર્યો છે. આ અધિકારીએ પોતાની ચેમ્બર સહિત આખા વિભાગમાં ‘દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના’ હેડિંગ સાથે ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, તમારૂ કામ કરૂં તેમાં કોઈ ઉપકાર કરતો નથી, તો લાંચ ઓફર કરીને મારૂ અપમાન કરશો નહીં’ સાહિતનું લખાણ લખેલા પોસ્ટર લગાવ્યા છે. આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહે લખેલા એક સંદેશનું પોસ્ટર લગાડી લાંચ આપી કામ કરાવવા માગતાં તત્ત્વોને દૂર રહેવા અને લાંચ નહીં, પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે. આ પોસ્ટરનું લખાણ આ મુજબ છે દરેક ઓફિસમાં મુકવા જેવી સૂચના ‘મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું.’ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવનારા સૂર્યપ્રતાપસિંહે જણાવ્યું હતું કે, હું અગાઉ BSFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ત્યાંથી નિવૃત્ત થયા બાદ મનપાની આવાસ યોજના શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છુ. મારા મિત્રએ આ લખાણ મારા ધ્યાન પર મુક્યું હતું. જે મને સારી વાત લાગતા અને ખૂબ જ ગમી જતા મારી કચેરીની અંદર અને બહાર પોસ્ટર લગાવ્યા છે. મારુ સ્પષ્ટ માનવું છે કે, લોકોનું અમે કામ કરીએ છીએ તેનો અમને પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક્યૂ કહેવાની કોઇ જરૂર જ નથી. તેમજ કોઈ લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ પણ કરે નહીં તેવા હેતુથી આ પોસ્ટરો લગાવાયા છે. આવાસ યોજનામાં કામ માટે આવેલા નાનુબેન ચાવડાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું આવાસ માટે 5 વાર કરતા વધુ અહીં આવી ચૂકી છું. મને દરેક વખતે ખૂબ જ સારો જવાબ આપવામાં આવ્યો છે. કેવી રીતે અરજીઓ કરવી તે સહિતની માહિતી સ્ટાફ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગઈ હતી તે પણ તરત કાઢી આપવામાં આવ્યું હતું. અને ટૂંક સમયમાં સરળ હપ્તે આવાસ પણ મળી જાય તેવું લાગી રહ્યું છે. ખરેખર આવાસ વિભાગમાં જે પોસ્ટર લાગ્યા છે તેના મુજબ આખી કચેરીમાં કામ થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યપ્રતાપસિંહે આવાસ યોજનાનો હવાલો સંભાળ્યા બાદ આવાસની માહિતી લોકોને ઘરે બેઠાં મળે તેવો સોફ્ટવેર બનાવ્યો છે. આવાસ યોજના શાખામાં નવા આવાસો ક્યારે બનાવવાના છે તેની તપાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધક્કાઓ ખાતા અટકાવવા તેમણે બનાવેલા આ સોફ્ટવેરમાં આવાસ યોજનાની માહિતી મેળવવા માટે આવેલા અરજદારોનું રજિસ્ટ્રેશન કરી તેમને જોડવામાં આવ્યા છે અને જ્યારે નવી આવાસ યોજના જાહેર થાય ત્યારે તુરંત તેમને SMS દ્વારા જાણ થઇ જાય તેવી ગોઠવણ સોફ્ટવેરમાં કરવામાં આવી છે. સોફ્ટવેર દ્વારા અરજદારને મેસેજ કરીને ફોર્મ ભરી દેવાની સૂચના પણ આપવામાં આવે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *