દુષ્કર્મ કેસમાં બે મહિનાથી ફરાર કોલેજિયન યુવક મુંબઈથી ઝડપાયો:પાંચ જ્યોર્તિલિંગની મુલાકાત લીધી, સાથે અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરત શહેરના સીટીલાઇટ વિસ્તારમાં આવેલી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અને છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલો આરોપી ઋષિ રાજેશભાઇ જયસ્વાલ આખરે પાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પાલ પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને મુંબઈ રેલ્વે ડોર્મેટરીમાંથી દબોચી લીધો હતો. પોલીસથી બચવા સીમકાર્ડ અને લોકેશન બદલાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલ પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ એક યુવતીએ ઋષિ જયસ્વાલ (ઉ. 23, રહે. શાંતિનગર, લીંબાયત) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાતા જ આરોપી પોલીસ પકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો. શરૂઆતમાં તે અમદાવાદના એક મંદિરમાં આશરો લીધા બાદ સતત પોતાનું લોકેશન બદલતો ફરતો રહ્યો હતો. પોલીસને ચકમો આપવા માટે ઋષિએ વારંવાર મોબાઈલમાં સિમકાર્ડ બદલ્યા હતા અને જુદા-જુદા સ્થળોએ છુપાયો હતો. બે મહિના દરમિયાન પાંચ જ્યોર્તિલિંગના દર્શન કર્યા
પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી બે મહિનાના આ સમયગાળા દરમિયાન ત્રંબકેશ્વર, ભીમાશંકર, અજંતા-એલોરા સહિત પાંચ જેટલા જ્યોતિર્લિંગની મુલાકાત લેતા વિવિધ સ્થળોએ રોકાયો હતો. આ સમયગાળા દરમિયાન તે મંદિરો અને હોટેલોમાં છુપાઈને રહેતો હતો. પીઆઈ શીતલ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપીની તમામ હિલચાલ પર સતત નજર રાખી હતી અને અંતે મુંબઈમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. સુરત પોલીસે મુંબઈમાં તપાસ કરી દબોચ્યો
માહિતી મળતાની સાથે જ પાલ પોલીસની ટીમે મુંબઈ પહોંચી લગભગ 150 જેટલી નાની-મોટી હોટલોમાં દોડધામ કરીને તપાસ હાથ ધરી હતી. આ લાંબી શોધખોળના અંતે પોલીસને જાણવા મળ્યું કે આરોપી મુંબઈ સ્ટેશન પર આવેલી રેલ્વે ડોર્મેટરીમાં છુપાયેલો છે, જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે ઋષિ જયસ્વાલની ધરપકડ કરીને કોર્ટમાંથી રીમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસ આરોપીની સઘન પૂછપરછ દ્વારા છેલ્લા બે મહિનામાં તે કયા-કયા સ્થળોએ રોકાયો હતો અને આ સમયગાળા દરમિયાન તેને કોણે-કોણે મદદ કરીને શરણ આપ્યું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *