ધાનપુરમાં કૂવામાં ખાબકેલા દીપડાનું ત્રણ દિવસે રેસ્ક્યૂ:70થી વધુ કર્મીઓએ પાંજરા-જાળની મદદથી જીવતો બહાર કાઢ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે એક ખેડૂતના ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું ત્રણ દિવસની અવિરત મહેનત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગત ૧૫ નવેમ્બરની મધરાતે ખેડૂત મોતીભાઈ ડાયરાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો. ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. દીપડો કૂવાની દીવાલમાં ખોદેલી બખોલમાં ઊંડે છુપાઈ ગયો હતો અને બહાર આવવા તૈયાર નહોતો. વન વિભાગે સૌપ્રથમ વાંસની લાકડીએ મોબાઈલ બાંધીને વીડિયો લીધો, જેથી દીપડાની હાજરીની ખાતરી થઈ શકે. ત્યારબાદ પાંજરામાં મરઘી મૂકીને કૂવામાં ઉતારવામાં આવ્યું અને લાકડાની નિસરણી પણ મૂકવામાં આવી, પરંતુ દીપડો બહાર આવ્યો નહીં. આજે સવારથી ધાનપુર અને બારીયા રેન્જના કુલ ૭૦થી વધુ કર્મચારીઓએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં મોટી જાળ ઉતારવામાં આવી. એક કર્મચારી પાંજરામાં બેસીને કૂવામાં ઉતર્યો અને બખોલ તોડી. દીપડો બહાર નીકળ્યો, પરંતુ ફરી છલાંગ મારીને બખોલમાં ઘૂસી ગયો. આખરે, પાંજરું બખોલ પાસે મૂકીને ઉપરથી વાંસની લાકડીઓથી ધક્કા મારવામાં આવતા દીપડો પાંજરામાં કેદ થયો. ગામલોકોની મદદથી પાંજરું સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. વન વિભાગના જણાવ્યા અનુસાર, દીપડો સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને ટૂંક સમયમાં જંગલમાં છોડી દેવામાં આવશે. વન વિભાગની આ સમયસર કાર્યવાહીથી એક મોટી જાનહાનિનો ભય ટળી ગયો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *