ધીરજને વોટર ફોબિયા હતો તો કેમ કેનાલમાં કૂદી આપઘાત કર્યો?:રણુજા ગયો હોત તો દીકરીઓ સાથે જીવતો હોત, કલોલના 3 પેટ્રોલપંપનો માલિક 6 માસથી ડિપ્રેશનની દવા લેતો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના અને 3 પેટ્રોલ પંપના માલિક એવા ધીરજ ભલાભાઈ રબારીએ 2 વ્હાલસોયી દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા ભલભલાના હ્રદય કંપી ઉઠ્યા છે. આધારકાર્ડ કઢાવવા જઇએ છીએ તેવું કહી ઘરેથી કારમાં નીકળેલા ધીરજે પોતાના ઘર કલોલની બલરામ પાર્ક સોસાયટીથી અંદાજિત 5.9 કિલોમીટર દૂર પિયજ ગામની નર્મદા કેનાલ પહોંચી પોતાની બે દીકરીઓ સાથે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાએ પાષાણ હૃદયના માનવીને પણ હચમચાવી મૂક્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે ધીરજના આપઘાત પાછળનું કારણ જાણવા તેના કાકા મનોજભાઈ દેસાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા ધીરજનું જીવન અને ખાસ કરીને તેની શારીરિક તકલીફો વિશે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ધીરજ વોટર ફોબિયાથી પીડિત હતો તે સ્વિમિંગ પુલમાં પડતા પણ ગભરાતો હતો. સાથે જ છેલ્લા 6 મહિનાથી તેની ડિપ્રેશનની દવા પણ ચાલતી હતી. આ બધામાં સૌથી ચોંકાવનારી વાત એ સામી આવી છે કે ધીરજ જો રણુંજા સંઘમાં ગયો હોત તો આજે તે તેની બંને દીકરીઓ સાથે જીવતો હોત. તો આવો જાણીએ મૃતક ધીરજે પોતાની બંને દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી તેના એક સપ્તાહ પહેલાથી આપઘાત કર્યો ત્યાં સુધીના ઘટનાક્રમ અને તેની બીમારી વિશે… મૃતક ધીરજ મેકાટ્રોનિક એન્જિનિયર હતો
આ અંગે મૃતક ધીરજ રબારીના કાકા મનોજ દેસાઈએ કે જેઓ UPSCની તૈયારીની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ચલાવે છે. તેમણે અત્યંત ભગ્ન હૃદયે જણાવ્યું કે, આ ઘટના મારા અને અમારા પરિવાર માટે એક વજ્રઘાત સમાન છે. ધીરજ મેકાટ્રોનિક એન્જિનિયર હતો. જેના લગ્ન સમાજના રિવાજ મુજબ મહેસાણાના ધારૂસણ ગામે થયા હતા. આ લગ્ન જીવનથી ધીરજ બે દીકરીઓનો પિતા હતો. એક દીકરી ચાર વર્ષની અને બીજી દીકરી માત્ર નવ મહિનાની હતી. સામાજિક રીતે પત્ની અને બાળકો પિયર રહી વાર તહેવારે સાસરી આવતા જતા હતા. ધીરજને વોટર ફોબિયા હતો
ધીરજને વોટર ફોબિયા હતો, જે પાણીથી ખૂબ જ ગભરાતો હતો. મિત્રો સાથે સ્વિમિંગ પુલ જાય તોય ધીરજ પુલની પાળીએ બેસીને માત્ર પગ પલાળી દૂર ખસી જતો હતો. એક વખત બધા મિત્રો ફરવા ગયા હતા. જ્યાં દરિયામાં હાથ ખેંચીને મિત્રો ન્હાવા લઇ ગયા હતા. જે ઘટનાથી ગભરાઈને ધીરજ તુરંત બહાર નીકળી ગયો હતો. છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવ જેવી બીમારી હતી
આ સ્થિતિ વચ્ચે છેલ્લા છ મહિનાથી ધીરજને માનસિક તણાવ જેવી બીમારી હતી. જેના શરીરમાં ધ્રુજારી આવતી હતી.જેના માટે કલોલની ત્રણ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. પરંતુ કોઈ ખાસ ફેર પડ્યો ન હતો. જેના પગલે તેની સિમ્સ હોસ્પિટલમાં સારવાર શરુ કરાવી હતી. જ્યાં જરૂરી રિપોર્ટ કરાવ્યા હતાં. પરંતુ ધીરજની બિમારીના મૂળ સુધી પહોંચી શકાયું ન હતું. 6 મહિનામાં ધીરજ ત્રણવાર કોઈ કારણસર બેભાન થયો
છેલ્લા છ મહિના દરમિયાન ધીરજ ત્રણેક વખત કોઈ કારણસર બેભાન થઈ ગયો હતો. છેલ્લે તો હોસ્પિટલ ગયા પછી ધીરજે સામેથી પોતાને એડમિટ કરી દેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. જોકે ડોક્ટરોએ માનસિક રોગ નિષ્ણાત તબીબનો અભિપ્રાય લેવાની સલાહ આપી કેટલીક દવાઓ લખી આપી હતી. કેમ કે ડોકટરો પણ તેની શારીરિક કે માનસિક બીમારીના મૂળ સુધી પહોંચી શક્યા ન હતા. આ બીમારીના કારણે ધીરજ એકલા રહેવાનું પસંદ કરતો નહીં. ગામના મહાદેવ મંદિરમાં દર્શન કરી દિવસની શરૂઆત કરો
ધીરજના નિત્યક્રમની વાત કરીએ તો ધીરજ સવારે સાડા સાતેક વાગ્યે તૈયાર થઈને ગામના મહાદેવ મંદિર જતો હતો. જ્યાંથી પરત આવી પોતાના ભાઈના બાળકો સાથે રમતો અને જમીને પછી કપિલેશ્વર મહાદેવ દર્શન કરીને પેટ્રોલ પંપે જતો હતો. જ્યાં રોજિંદા હિસાબ, પંપની ઓનલાઈન કામગીરી અને બેંકના કામકાજ પૂર્ણ કરી પોતાના કોઈને કોઈ મિત્રોને બેસવા માટે બોલાવી લેતો હતો. પરિવાર-મિત્રો સતત આસપાસ રહેતા
સાંજે ઘરે ગયા પછી પરિવાર સાથે સમય વિતાવી પાછો પોતાના મિત્રો સાથે બેસવા જતો હતો. તેને એકલતા પસંદ નહીં હોવાથી પરિવાર અને મિત્રો પણ સતત એની આસપાસ રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તો ધીરજને પરિવાર-મિત્રોએ સહેજ પણ એકલતા નથી અનુભવવા દીધી. પરિવાર અને નજીકના ગામના અંગત ત્રણ મિત્રો ધીરજને સહેજ પણ એકલો પડવા દેતા નહીં. બનાવના અઠવાડિયા પહેલાં ધીરજે રણુજા જવા બેગ પેક કરી રાખી હતી
જે દિવસે 7 નવેમ્બરે ધીરજ બંને દીકરીઓ સાથે ગુમ થયો એના એક સપ્તાહ પહેલા ગામના લોકો તેમજ તેનાં ત્રણ અંગત મિત્રો (જે સતત તેની પડખે રહેતા) સંઘ લઈને રણુજા ગયા હતા. ધીરજને પણ રણુજા જવાનું હતું. પરંતુ પેટ્રોલ પંપના કામકાજના લીધે તે જઈ શકયો ન હતો. જોકે રણુજામાં પૂજા પાઠના છેલ્લે દિવસે એટલે કે, 8 નવેમ્બરને શનિવારે ધીરજે રણુજા જવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેને પોતાની બેગ પણ પેક કરીને રાખી દીધી હતી. ધીરજ એકલો પડી ગયો હોવાથી પત્ની-બાળકીઓને તેડી આવ્યો હતો
બીજી તરફ ગામના નજીકના લોકો અને અંગત મિત્રો વિના ધીરજ એકલો પડી ગયો હતો. જેના લીધે ધીરજ ચારેક દિવસ પહેલા જ પત્ની અને બંને દીકરીઓને તેડી લાવ્યો હતો. દિવાળી દરમિયાન બંને દીકરીઓના કપડા લીધા નહીં હોવાથી તેણે પોતાની વ્હાલી દીકરીઓ માટે કપડા વિગેરેની ખરીદી પણ કરી હતી. રણુજા જવાનું હોવાથી દીકરીના આધાર કાર્ડ કઢાવવા શુક્રવારે ગાડી લઈ નીકળ્યો
જોકે ધીરજના મનમાં કેવી વમણ ચાલી રહી હતી તે પરિવારના કોઈ સભ્યોને ખબર પડી ન હતી. શનિવારે રણુજા જવાનું હોવાથી તે દીકરીના આધાર કાર્ડ કઢાવવા માટે શુક્રવારે ગાડી લઈને ઘરેથી નીકળ્યો હતો. જેની થોડીવાર પછી ધીરજના કાકા મનોજ દેસાઈએ ફોન કરીને વાતચીત કરી હતી. એ સમયે પણ ધીરજ એકદમ નોર્મલ અવસ્થામાં વાતચીત કરતો હતો. ફોન મૂક્યાંની ગણતરીની મિનિટોમાં ધીરજે રણુજા ગયેલા મિત્રને લોકેશન-પાસવર્ડ મોકલ્યો
આ ફોન મૂક્યાંની ગણતરીની મિનિટોમાં ધીરજે રણુજા ગયેલા તેના મિત્ર સમાન પિતરાઈ ભાઈને મેસેજ કરીને પોતાનું લોકેશન અને મોબાઈલ પાસવર્ડ મોકલી આપ્યો હતો. આ જોઈને પિતરાઈને ફાળ પડી હતી. જેણે તુરંત મનોજભાઈને જાણ કરી હતી. બાદમાં પરિવારના લોકો લોકેશનના આધારે શેરીસા કેનાલ પહોંચ્યા હતાં. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયુ હતું. સ્થળ ઉપર ગાડી અને મોબાઇલ જ મળી આવ્યા હતાં. જ્યારે ધીરજ અને બંને દીકરીઓ કોઈ જોવા મળ્યા ન હતાં. કેનાલમાં ત્રણેયનો પત્તો ના લાગતા પોલીસ મથકમાં ફરિયાદ કરી
કોઈ અજુગતું ઘટ્યું હોવાની શંકા રાખી પરિવારે સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. મોડી સાંજ સુધી કેનાલમાં શોધખોળ કર્યા પછી પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. સુરજ આથમી રહ્યો હોવાથી તરવૈયાઓએ પણ કેનાલમાં શોધખોળ અટકાવી દીધી હતી. જોકે કેનાલમાંથી કોઈ પગેરુ નહીં મળતા પરિવારે સાંતેજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. બંને દીકરીના મૃતદેહ શેરીસાથી ખેંચાઈને પિયજ કેનાલમાંથી મળ્યા
આ ઘટનાની ગંભીરતા જાણીને PI એસ.આર.મૂછાળે પોતાની ત્રણ ટીમો સાથે તપાસનો દોર શરૂ કરી ત્રણેય ગુમ પિતા પુત્રીઓની વિગતો સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી. એટલે કલોલ તાલુકા પોલીસ પણ ત્રણેયને શોધવામાં લાગી ગઈ હતી. આમને આમ શુક્રવારની આખી રાત વીતી ગઈ હતી. એવામાં વહેલી સવારે બંને દીકરીઓના મૃતદેહ શેરીસાથી ખેંચાઇને પિયજ કેનાલમાંથી મળી આવ્યા હતા. NDRFની ટીમને બોલાવવાની તૈયારી કરી ત્યાં જ ધીરજનો મૃતદેહ મળ્યો
ત્યારબાદ પોલીસે શેરીસાથી પિયજ નર્મદા કેનાલ સુધી ધીરજની તરવૈયાઓ થકી શોધખોળ શરૂ કરાવી હતી. બપોર પડવા આવી પણ ધીરજનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. એટલે પરિવાર અને પોલીસની પણ ધીરજ ખૂટી રહી હતી . જેના પગલે પોલીસે NDRFની ટીમને બોલાવવા તજવીજ હાથ ધરી હતી . જોકે એ પહેલા જ ધીરજનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જે દિવસે રણુજા જવાનો હતો તે જ દિવસે ધીરજનો મૃતદેહ મળ્યો
વધુમાં મનોજભાઈએ ઉમેર્યું કે, ધીરજ શનિવારે રણુજા જવાનો હતો. પણ શનિવારે કેનાલમાંથી તેનો મૃતદેહ મળ્યો. રણુજા જઈને આવ્યા પછી મનોચિકિત્સકને બતાવી તેની બીમારીનું ચોક્કસ નિદાન કરાવવાનું નક્કી કર્યું હતું. પણ એ પહેલા જ તેણે આવું પગલું ભરી લીધું જે અસહ્ય છે. તે કાશ્મીર ફરવા જવાનું પણ પ્લાન કરી રહ્યો હતો. અમને જો વહેલા અંદાજો આવી ગયો હોત તો ધીરજને એકલો પડવા જ ના દેતા. 6 મહિનાથી ધીરજની સિમ્સમાં ડિપ્રેશનની દવા ચાલતી હતી: PI
આ અંગે સાંતેજ PI મૂછાળે કહ્યુ કે, ધીરજ સુખી સંપન્ન હોવાથી કોઈ આર્થિક સંકડામણ ન હતી. પત્ની અને બાળકો સાથે પણ તેનું જીવન સુખમય વિતી રહ્યું હતું. છેલ્લા છ મહિનાથી ધીરજની સિમ્સમાં ડિપ્રેશનની દવા ચાલતી હતી. પણ બીમારીના નામનું ચોક્કસ નિદાન સામે આવ્યું નથી. તેને મનોચિકિત્સકને બતાવવાનું હતું. એ પહેલા જ તેણે આવું પગલું ભરી લીધું છે. પરિવારના સભ્યોની પૂછપરછમાં ધીરજને વોટર ફોબિયા હોવાનું પણ જાણવા મળ્યું છે. દીકરીઓ માટે પણ તેને અનહદ પ્રેમ હતો. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આપઘાતનું ચોક્કસ કારણ ધીરજ સાથે કેનાલમાં ગરકાવ
પ્રાથમિક રીતે ધીરજે માનસિક બીમારીના લીઘે બંને બાળકો સાથે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. ત્યારે હાલમાં ધીરજ કઈ બીમારી અને વ્યથાથી પીડાતો હતો એ એક મોટો કોયડો બની ગયો છે. ઉલ્લેખનીય છેકે ધીરજને વોટર ફોબિયા હતો છતાં તે કેનાલ સુધી બાળકોને લઈને પહોંચ્યો હતો અને કેનાલમાં જળસમાધિ લઈ જીવન ટૂંકાવી લીધું છે. આમ આપઘાતનું ચોક્કસ કારણ તો ધીરજ સાથે કેનાલમાં જ ગરકાવ થઈ જતા આ ઘટના વણ ઉકેલ્યો કોયડો બની ગઈ છે. આવા દર્દીઓ પ્લાન્ડ સુસાઇડ કરવાનું વિચારતા હોય છે: ડો. રાજેન્દ્ર આનંદ
વોટર ફોબિયાથી પીડિત ધીરજ રબારીએ બે માસુમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં આપઘાત કરી લેતા દિવ્ય ભાસ્કર દ્વારા તેની બીમારીના લક્ષણો અંગે કનોરિયા હોસ્પિટલના જાણીતા માનસિક રોગ નિષ્ણાંત ડો. રાજેન્દ્ર આનંદ સાથે વિગતવાર વાતચીત કરી હતી. ડો. આનંદે કહ્યું હતું કે, દર્દીની સારવારની ફાઇલો જોઈએ તો ચોક્કસ તારણ જાણી શકાય. પરંતુ એક એપિલેસ્પી બીમારી છે. જેમાં દર્દી બિમારીથી બહુ કંટાળી ગયા હોય છે. આવા દર્દીઓની સારવાર ચાલતી હોવા છતાં તેઓને લાગ્યા કરતું હોય કે બિમારીનો કોઈ ઇલાજ નથી. જેના લીધે તેઓ ડિપ્રેશન અનુભવતા હોય છે. એના લીધે ઘણીવાર શરીર ધ્રુજારી એક પ્રકારની ખેંચ આવે અને કેટલીક વાર બેભાન પણ થઈ જતા હોય છે. આવી તકલીફોને પેશન્ટ જલ્દી સ્વીકારી શકતા નથી. બીજા ‘સ્કીઝોફેનિયા’ બીમારીના દર્દીઓ હોય છે. આવા દર્દીઓ પ્લાન્ડ સુસાઇડ કરવાનું વિચારતા હોય છે. આ બીમારીના દર્દીઓ જેતે પ્રકારનો ‘ફોબિયા’ અનુભવતા હોય એનો જ સામનો કરવાનો પ્લાન્ડ કરે. ઘણીવાર આવું પગલું ભરતી વેળા (ફોબિયાનો સામનો કરવા) પોતાની એકદમ નજીકના વ્યક્તિને પણ સાથે લઇ જતા હોય છે. આવી બીમારી 100 માંથી એક દર્દીમાં જોવા મળતી હોય છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *