- માઉન્ટ આબુમાં -1 ડિગ્રી અને ગુરુશિખર પર -3 ડિગ્રી
- શહેરમાં પોષ માસની પૂનમ પહેલાં કાતિલ ઠંડી યથાવત્
- અમદાવાદમાં 13.1 ડિગ્રી, ડીસામાં 10.3, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી
અમદાવાદ શહેરમાં બે દિવસથી કાતીલ ઠંડીમાં યથાવત છે. પોષ માસની પૂનમ પહેલાં ઠંડી તીવ્ર બની છે. બીજી તરફ દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાતા દિવસનું તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી નીચુ 27 ડિગ્રી નોંધાયુ હતુ. જેથી દિવસ ઠંડો રહ્યો હતો. કચ્છમાં હજુ કાતીલ ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. નલીયામાં 8.8 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી તાપમાન રહેતા લોકો ઠુંઠવાયા હતાં. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો જોર યથાવત જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં 10.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય અમરેલીમાં 13.6 ડિગ્રી, પોરબંદરમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ આ સિવાય વલસાડમાં 13.5 ડિગ્રી જ્યારે મધ્યમાં વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કાતીલ ઠંડીનો વર્તારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંતોના અનુમાનો મુજબ હજુ આગામી દિવસોમાં ઠંડીનુ જોર વધશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરશે. જોકે ઠંડીના કારણે આ વખતે રાજ્યના મોટાભાગના વિસ્તારોમા શિયાળુ પાક સારો થશે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે.
માઉન્ટ આબુમાં -1 ડિગ્રી અને ગુરુશિખર પર -3 ડિગ્રી
રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે રાત્રે લઘુતમ તાપમાન – 1 ડિગ્રી નોંધાયું હતું જેમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે. ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયા બાદ ફરીથી માઇનસ થતા માઉન્ટ થીજી ગયું છે.જેમાં સ્થાનિકો અને પર્યટકોએ તાપણાનો સહારો લીધો હતો અને હજુ આગામી દિવસોમાં ઠંડી વધશે તેવું જાણવા મળ્યું હતું. જોકે ગુરુશિખર પર તાપમાન -3 ડિગ્રી નોંધાયું હતું.
