- દારૂ, ટ્રક, મોબાઈલ મળી 45 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો
- ટીંબા-ર ગામની સીમમાંથી સાત શખ્સો પલાયન થઈ ગયા
- જીપીએસ સીસ્ટમથી ટ્રક ચાલકને માર્ગદર્શન અપાતું હોવાનું અનુમાન
રાપર તાલુકાના નલીયા ટીંબા-ર ગામની સીમમાં કિડિયાનગરના શખ્સે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે રાત્રિના અરસામાં ગાંધીનગરથી સ્ટેટ વીજીલન્સની ટીમે દરોડો પાડયો હતો. ત્યારબાદ રૂપિયા ૩૧.૮૬ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, પરંતુ સાત પૈકી એકેય આરોપી હાજર મળી આવ્યા ન હતા.

આડેસર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત શુક્રવારના રાત્રિના અરસામાં ગાંધીનગર સ્ટેટ વીજીલન્સની ટીમ પેટ્રોલીંગમા હતી. ત્યારે રાજસ્થાનના ઝાંસી કા બાસમાં રહેતો અનિલ ઉર્ફે પાંડિયા જગદિશ પ્રસાદ જાટે ટ્રકમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ભરીને રાપર તાલુકાના કિડિયાનગર ગામે રહેતો રમેશ વેલા ઝાલાને મોકલ્યો હોવાની તેમજ હાલે આ શરાબનુ રાપર તાલુકાના નલીયા ટીંબા-ર ગામની સીમમાં સ્મશાન પાસે કટીંગ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસએમસીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસની ગંધ આવી જતા ટ્રેક્ટર, ટ્રક, બાઈક વગેરે વાહનો મુકી ૬ શખ્સો પલાયન થઈ ગયા હતા. જેથી ઘટનાસ્થળે ઉભેલ વાહનોમાં તપાસ કરતા તેમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાંડની ૭,૯૦પ બોટલ રૂપિયા ૩૧,૮૬,ર૮૦ ની મળી આવી હતી. પરિણામે ટ્રક, બાઈક, ટ્રેક્ટરની ટ્રોલી, મોબાઈલ, જીપીએસ સીસ્ટમ વગેરે મળી કુલ્લે રૂપિયા ૪પ,ર૦,ર૮૦ નો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો. એસએમસીના દરોડામાં એકેય આરોપી હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તમામ સાત ઈસમો સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, ટ્રકમાંથી આરટીઓની નંબર પ્લેટ તથા તેલના બીલ તેમજ ગૌ શાળાની રસીદ મળી આવી હતી. તો વળી જીપીએસ સીસ્ટમથી ટ્રક ચાલકને માર્ગદર્શન આપવામા આવતુ હોવાનુ અનુમાન લગાડવામા આવી રહ્યું છે. તેમ છતાં આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
